Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સરકારે કોરોના પીડિતોને આપી રાહત

કોવિડ-૧૯ના ઇલાજ માટે ખર્ચ કરવામાં આવેલી રકમ પર નહિ લાગે ઇન્કમટેક્ષ

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ કે એ પછી કોઈ પણ કર્મચારી કે અન્ય વ્યકિતનું કોવિડ-૧૯થી મૃત્યુ થાય તો એમ્પોલયર દ્વારા તેના પરિવારને ચૂકવવામાં આવતી રકમ પર ટેકસમાંથી છૂટ મળશે :જો કે, ચૂકવણીની આ રકમ ૧૦ લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ : ટેકસમાં કપાતનો દાવો કરવા માટે ૧ એપ્રિલ સુધી કરવામાં આવેલા રોકાણને ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી શકાશે

નવી દિલ્હી,તા.૨૬: કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે, કોવિડ-૧૯ની સારવાર પાછળ ખર્ચ કરવામાં આવેલા રૂપિયા કે મૃત્યુના કેસમાં ઈનકમ ટેકસમાં છૂટ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતાં રાજય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોવિડ-૧૯ મહામારી સામે ભારતની લડતને મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવ્યાં છે. દેશમાં કોરોનાના દર્દીઓની મદદ માટે રાજય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જો કોઈ પણ વ્યકિત કોરોના દર્દીની સારવાર માટે ખર્ચ કરે છે તો તેઓને ટેકસમાંથી છૂટ આપવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ કે એ પછી કોઈ પણ કર્મચારી કે અન્ય વ્યકિતનું કોવિડ-૧૯થી મૃત્યુ થાય તો એમ્પોલયર દ્વારા તેના પરિવારને ચૂકવવામાં આવતી રકમ પર ટેકમાંથી છૂટ મળશે. જો કે, આ રકમ ૧૦ લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ.

અનુરાગ ઠાકુરે એવું પણ કહ્યું કે, ટેકસમાં કપાતનો દાવો કરવા માટે ૧ એપ્રિલ સુધી કરવામાં આવેલા રોકાણને ૩૦ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી શકાશે. ટેકસ વિશેષજ્ઞોનું કહેવું છે કે, નવી સૂચના કર્મચારીઓના પગાર પ્રમાણે મળનારી ટેકસમાં છૂટથી અલગ છે. આ અંગે આગામી એક બે દિવસમાં વધારે જાણકારી આપવામાં આવશે.અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું કે, મહામારીના કારણે અનેક લોકો બેરોજગાર બન્યાં છે. એટલું જ નહીં એમાંથી અનેક લોકો કોરોના મહામારીની લપેટમાં આવી ગયા અને તેઓને બીમારી પાછળ ખર્ચ કરવો પડી રહ્યો છે. એટલા માટે જ સરકાર તેમને છૂટ આપવાં માંગે છે. જે હેઠળ જો કોઈ કંપની કોરોનાથી મૃત્યુ થાય એવા કર્મચારીના પરિવારને એકસ ગ્રેશિયા પેમેન્ટ કરે છે તો, એ રકમ પર ફાઈનાન્શિયલ યર ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧-૨૨ માટે ટેકસ લાગૂ નહીં પડે.

તો સીબીડીટીના એક નિવેદનમાં કહેવાયું છે કે, આ મુશ્કેલીના સમયમાં કરદાતાઓના બોજને હળવો બનાવવા માટે રાહત આપવામાં આવી રહી છે.

(11:48 am IST)