Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એસ-૪૦૦ મિસાઇલ ડિલને કોઇ અસર ન થાય તેવી વકી

રશિયા સાથે સંબંધ અકબંધ રાખવા ભારત મક્કમ : અમેરિકાની કોઇ શરત નહીં માનવાની પણ તૈયારી દર્શાવી

નવીદિલ્હી, તા. ૨૬ : એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના મુદ્દા ઉપર ટ્રમ્પ સરકારે જોરદાર વાંધો ઉઠાવ્યો હોવા છતાં ભારતે સાફ શબ્દોમાં આ મામલે કોઇ બાંધછોડ કરવાનો ઇન્કાર કર્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત પ્રતિબંધગ્રસ્ત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કટિબદ્ધ છે. ભારત સરકાર રશિયા સાથે તેના સંરક્ષણ સંબંધોને યથાવતરીતે આગળ વધારવા માટે ઇચ્છુક છે. રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના મુદ્દે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપવામાં આવી હતી. ભારતને કેટલીક હાઈએન્ડ ટેકનોલોજી નહીં આપવાની વાત અમેરિકાએ કરી હોવા છતાં ભારત આને લઇને ભયભીત નથી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે પોતાના અગાઉના કાર્યક્રમ મુજબ આગળ વધશે અને રશિયા સાથે ડિફેન્સ ડિલ યથાવત રહેશે. આ પહેલા અમેરિકાએ તુર્કી સાથે એસ-૪૦૦ ખરીદી બાદ યુદ્ધવિમાનોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ આ વખતે પણ કહ્યું છે કે, તે ભારતને અન્ય નાટો મિત્રોની ચીજવસ્તુ રાખીને અને અન્ય નાટો સાથીઓની જેમ ડિફેન્સ ટેકનોલોજી આપી શકે છે. બીજી બાજુ નાટોના સભ્ય દેશ તુર્કીએ અમેરિકાના વિરોધને ફગાવી દઇને એસ-૪૦૦ ડિલ ઉપર આગળ વધવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ તુર્કીએ પણ અમેરિકા વર્તન સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા અને ભારત વચ્ચે વેપારના મુદ્દા ઉપર મતભેદ રહેલા છે. ભારત દ્વારા વધારે ટેરિફની વાત કરીને અમેરિકાએ હાલમાં જ જીએસપીનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો.

(7:06 pm IST)