Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કોઇ પણ સમસ્યાનું નિવારણ ધ્યાનઃ પૂ. શિવકૃપાનંદજી 'અકિલા'ના આંગણે

પોતાના માટે અડધો કલાક ફાળવી ન શકે તે સૌથી વધુ ગરીબ ગણાયઃ દરરોજ અડધો કલાક ધ્યાન કરો, પરિવર્તન આવશેઃ ઓરા પાવરફુલ બને તો કાલી-મેલી : વિદ્યા તથા ગ્રહોની આડઅસરો દૂર થાયઃ ધ્યાન માટે વિવિધ પગથીયા ચઢવા પડે, પણ સમર્પણ ધ્યાન પધ્ધતિ 'લીફટ' જેવી છે, સીધી સહસ્ત્રારે પહોંચે :નેપાળ પૂ. શિવકૃપાનંદજીને ગુડવીલ એમ્બેસેડર ઘોષિત કર્યા છેઃ શ્રીલંકાના વડાપ્રધાને પણ :પૂ. સ્વામીજી પાસેથી ધ્યાન શીખ્યા છે

સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂ. શિવકૃપાનંદજી સાથે 'અકિલા'ના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા નજરે પડે છે. પૂજય સ્વામીજીએ પ્રેસના વિવિધ વિભાગોની મુલાકાત કરીને પ્રસન્નતા વ્યકત કરી હતી, તે ઉપારોક્ત તસવીરમાં દર્શાય છે.

રાજકોટ, તા. ર૬ : ધ્યાન કરવાથી કોઇ પણ પ્રકારની સમસ્યાનું નિવારણ શકય બને છે. વસુધૈવ કુટુંબકમ્ની ઋષિ-મુનિઓની કલ્પના પણ ધ્યાનથી જ સાકાર થઇ શકે છે.

આ શબ્દો પૂ. શિવકૃપાનંદ સ્વામીજીના છે. સમર્પણ ધ્યાનના પ્રણેતા પૂ. બાબા સ્વામીજી વિશ્વભરમાં ધ્યાનનો પ્રસાર કરે છે અને અપાર લોકચાહના ધરાવે છે. દિવ્ય ઉર્જાથી છલકતા સ્વામીજી આજે 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. દિવ્ય સત્સંગ કરીને ઉર્જાનો પ્રસાર કર્યો હતો.

પૂ. શિવકૃપાનંદજીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ધ્યાન સુધી પહોંચવા યમ-નિયમ-આસન-પ્રાણાયામ વગેરે પગથિયાં ચઢવા પડે છે. ગુરૂ કૃપાથી સમર્પણ ધ્યાન પદ્ધતિનો આવિષ્કાર થયો, જે લીફટ જેવું કામ કરે છે. પગથિયા ચઢ્યા વગર સાધકને ધ્યાન સુધી પહોંચાડી દે છે.

જોકે સ્વામીજીએ જણાવ્યું હતું કે, વાસ્તવમાં સમર્પણ ધ્યાન કોઇ પદ્ધતિ નથી, સંસ્કાર છે. આ સંસ્કારમાં વહેતું થવાનું છે. દરરોજ માત્ર અડધો કલાક ધ્યાન કરનારનો બેડો પાર થઇ જાય છે.

જે માણસ પાસે પોતાના માટે અડધો કલાક ન હોય એ માણસ સૌથી વધારે ગરીબ ગણાય છે. માત્ર ૩૦ દિવસ માટે દરરોજ અડધો કલાક ધ્યાનમાં બેસો, મોટું પરિવર્તન શકય બનશે. ધ્યાન ન લાગે તો પણ આંખ બંધ કરીને બેસો, ગુરૂકૃપાથી ધ્યાન પણ શકય બનશે. સમર્પણ ધ્યાનનો મંત્ર પણ સરળ છે. 'મેં શુદ્ધ આત્મા હું, મેં પવિત્ર આત્મા હું' એ મંત્ર બોલીને આંખ બંધ કરીને અડધો કલાક બેસો. વૈશ્વિક ઉર્જા સાથે જોડાણ સંભવ થઇ જશે.

સ્વામીજી ૩૦ દેશોમાં ધ્યાન કરાવે છે. શિબિરો સતત ચાલે છે. જૈનમુનિઓથી માંડીને આરબના શેખો સુધીની વ્યકિતને ધ્યાન કરાવે છે. તેઓ કહે છે કે, વસુધૈવ કુટુંબકમ્ની ઋષિ-મુનિઓની કલ્પના માત્રને માત્ર ધ્યાનથી જ શકય બને છે.

સ્વામીજીએ જણાવ્યું હતું કે, સમર્પણ ધ્યાન માટે કંઇ છોડવાનું નથી. તમારા દેવી-દેવતા, તમારી નકારાત્મકતા-કુટેવો જે કંઇ હોય તે અંગે કોઇ જ પ્રકારનું ગિલ્ટીફીલ કર્યા વગર ધ્યાનમાં અડધો કલાક બેસો. તમને શ્રેષ્ઠ માર્ગનું દર્શન થઇ જશે.

સ્વામીજી કહે છે કે, યોગાસન એ જ યોગ નથી. યોગની દુનિયા વિરાટ છે, યોગાસન તો તેનો અંશ માત્ર છે. યોગાસનને યોગ સમજવું એ અનર્થ છે. યોગાસનથી શરીર ધ્યાન માટે યોગ્ય બને છે, પરંતુ મૂળ તો ધ્યાન જ છે.

આજના યુગમાં સદ્ગુરૂને પારખવા સરળ છે જેના ઓરા પાવરફુલ હોય એ સદ્ગુરૂ ગણાય. ઓરા માપવા મશીનો આવી ગયા છે. ઓરાના આધારે ગુરૂઓને લાઇસન્સ આપવા જોઇએ. ગુરૂઓના ઓરા પ્રતિવર્ષ રિન્યુ થવા જોઇએ.

પૂ. શિવકૃપાનંદજી દરેક મહાશિવરાત્રીએ ૪પ દિવસ એકાંતમાં ચાલ્યા જાય છે. તેઓ કહે છે કે, મારે પણ મારા ઓરા પાવરફૂલ રાખવા પડે. મારા ગુરૂ મને ઉર્જા આપે છે અને હું એ ઉર્જા સાધક તરફ વહાવું છું.

'અકિલા'ના વિવિધ વિભાગોમાં પૂ. શિવકૃપાનંદજીએ ઉર્જા વહાવી હતી. એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ પૂ. સ્વામીજીને વિવિધ વિભાગોની મુલાકાત કરાવી હતી. આ પ્રસંગે સમર્પણ યોગના યોગ પ્રભાભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જીજ્ઞાબેન ગોહેલ, સુરેશભાઇ પટેલ, સમર્પણ આશ્રમના લીગલ અધ્યક્ષ બી.એમ. પટેલ, સાધકો સંજય ત્રિવેદી, કમલેશ ઓઝા, નીતીન પરમાર, ભાવીન અકબરી, અંકીત વીરપરીયા તથા પ્રેસનો સ્ટાફ પરીવાર દર્શાય છે.

સમર્પણ ધ્યાનથી કાલી-મેલી વિદ્યા કે ગ્રહોની આડઅસરો દૂર થાય છે. ધ્યાનથી ઓરા વિકસે છે અને એ ઓરા રક્ષા કવચ તરીકે કામ કરે છે.

સ્વામીજી કહે છે કે ગૃહસ્થ ધ્યાન ન કરી શકે એ ધારણા તોડવાની છે. હું ગૃહસ્થ છું અને ધ્યાન કરી-કરાવી શકું છું.

આધ્યાત્મિક ક્ષેત્રમાં મેળવવા માટે આત્મસાક્ષાત્કારથી અધિક કંઈ જ નથી. એકવાર તમારૂ ચિત્ત ભીતર તરફ ચાલ્યુ ગયું, અંદર તરફ ચાલ્યુ ગયું, તમે અંતર્મુખી થઈ ગયા. તમને તમારા જ આત્માની અનુભૂતિ થઈ ગઈ તો બહારનું જગત જ સમાપ્ત થઈ જાય છે ને ? પછી આપણને આપણી ભીતર જ, આપણી અંદર જ આત્મેશ્વરના દર્શન થઈ જાય છે. બીજું અહીં સુધી પહોંચવા માટે મેં મારા જીવનના સાંઠ વર્ષ લગાવ્યા છે, તો આ સાંઠ વર્ષના અનુભવના આધારે તમને કહી રહ્યો છું કે તમે તેની શરૂઆત જેટલી જલ્દી થઈ શકે એટલું કરો.

બીજુ, થોડો સમય તમે તમને પોતાને આપો ને ! આપણે જીવનભર સંગઠનને સમાજને, વ્યવસાયને, પરિવારને સૌને સમય આપીએ છીએ, આપણને પોતાને સમય નથી આપતા. પોતાને ટાઈમ આપો ને ! બીજું હું ગુરૂઓને પણ કહું છું કે શિષ્ય ધ્યાન કરે ન કરે, ગુરૂએ જરૂર ધ્યાન કરવું જોઈએ અને ગુરૂએ પોતાની સાધના કદી ન છોડવી જોઈએ અને બીજુ ગુરૂને જો કોઈને આપવાનો ભાવ છે તો પહેલા મેળવે તો ખરા પછી આપવાનો પ્રશ્ન છે.

પૂ. સ્વામીજીએ અંતમાં જણાવ્યુ હતુ કે, ધ્યાન કરવાથી બે પ્રકારની ઘટનાઓ ઘટે છે. પ્રથમ તો ખરાબ વિચારોથી શરીરની આસપાસ જે ખરાબ ઉર્જા નિર્મિત થયેલી હોય છે. તે એકઠી થઈ જાય છે અને પછી જે ખરાબ ઉર્જા જમા છે પણ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે.

બીજો પ્રભાવ એ થાય છે, સંપૂર્ણ ખરાબ ઉર્જા સમાપ્ત થઈ ગયા પછી સારી, પવિત્ર, સાકારાત્મક નિર્મિત થવી શરૂ થાય છે અને ધીરે ધીરે એ સકારાત્મક સારી ઊર્જા એકઠી થઈને આપણી આસપાસ સારી ઉર્જાનું આભામંડળ જેવુ બનાવી દે છે અને એ આભામંડળની બની ગયા પછી નકારાત્મક વિચારો નથી આવતા અને શરીર કયાંય પણ રહે, ખરાબ સામુહિકતામાં રહે, ખરાબ દૂષિત વિચારોનુ સ્થાન ન રહે એ ખરાબ સામુહિકતાનો એ ખરાબ સ્થાનનો પ્રભાવ આપણા સુધી પહોંચી જ નથી શકતો. આ રીતે મનુષ્ય ખરાબ પ્રભાવથી સદૈવ બચ્યો રહે છે.

મુલાકાત

અશ્વિન છત્રારા

તસ્વીરો

સંદીપ બગથરીયા

(4:16 pm IST)