Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બ્રાઉન રાઇસના નામે તમે સુપર પોલિશ્ડ રાઇસ આરોગો છોઃ રિસર્ચના ચોંકાવનારા પરિણામ

રાઇસ શુગર ફ્રી હોવાનો દાવો પોકળ હોય છેઃ રિસર્ચ વિજ્ઞાનીઓનો દાવો

નવી દિલ્હી તા. ર૬ :.. અનપોલિશ્ડ માનવામાં આવતા મોંઘા અને પેકેજડ બ્રાઉન રાઇસ વાસ્તવમાં સફેદ અને પોલીસ કરેલા હોય છે. આ ઉપરાંત ડાયાબીટીક ફ્રેન્ડલી માનવામાં આવતા ચોખા વાસ્તવમાં શુગરથી ભરપુર હોય છે. મદ્રાસ ડાયાબીટીક રિસર્ચ ફાઉન્ડેશન (એમડીઆરએફ) ના ફુડ સાયન્ટિસ્ટોએ સુપર માર્કેટના ૧પ પ્રકારના હેલ્ધી ચોખાનું પરીક્ષણ કર્યું હતું. પરીક્ષણનાં પરિણમ ચોંકાવનારા આવ્યા છે. મોટા ભાગના કિસ્સામાં રાઇસના પેકેટ પર જે દાવા કરવામાં આવ્યા છે તેના ગુણધર્મો તદન વિપરીત છે.

એમડીઆરએફનાં ફુડ એન્ડ ન્યુટ્રીશન રિસર્ચ સાયન્ટિસ્ટ સુધા વાસુદેવને જણાવ્યું હતું કે અમારી પાસે મોટી સંખ્યામાં ડાયાબીટીસના દર્દીઓ રાઇસની નવી વરાઇટી સાથે આવતા હોય છે, જેના પેકેટ પર કોલેસ્ટ્રોલ અને શુગર ફ્રી હોવાનો દાવો કરાય છે. આથી અમે ૧પ જાતના ચોખાનું ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સૌથી ચોંકાવનારૂ પરિણામ બ્રાઉન રાઇસની એક બ્રાન્ડનું આવ્યું હતું. જેમાં એવો દાવો કરાયો હતો કે તેનો ગ્લાઇસેમિક ઇન્ડેકસ (જીઆઇ) માત્ર ૮.૬ છે. જયારે આ ચોખાનું ટેસ્ટિંગ કરાયું ત્યારે તેનો જીઆઇ ૪૦ ની આસપાસ હોવાનું બહાર આવ્યું છે. જીઆઇ વાસ્તવમાં કોઇ પણ ખાદ્યપદાર્થનું કાર્બોહાઇડ્રેટનું લેવલ બતાવે છે.

કાર્બોહાઇડ્રેટથી લોહીમાં શુગરનું લેવલ પ્રભાવિત થાય છે. ઓછા જીઆઇ ધરાવતા ખાદ્યપદાર્થ સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે. પપ થી નીચે જીઆઇને ઓછું માનવામાં આવે છે, પરંતુ બ્રાઉન રાઇસમં જીઆઇનું પ્રમાણ વધારે જણાયું હતું. રિસર્ચ સાયન્ટિસ્ટનું કહેવું છે કે કોઇપણ રાઇસ શુગર ફ્રી હોતા નથી, એ જ રીતે શૂન્ય કોલેસ્ટ્રોલની દાવા ભ્રામક હોય છે.

(3:42 pm IST)