Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ધૂળની તોફાની આંધી અને ભારે વરસાદની ચેતવણી

ઉત્તરીય રાજ્યો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો ઘેરાયા : અરબ સાગરના કિનારાના પ્રદેશોમાં અતિભારે વરસાદ અને તોફાની પવન શરૂ

નવી દિલ્હી :આગામી ૨૪ કલાકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાનનાં કેટલાંક સ્થળોએ ધૂળની તોફાની આંધી અને અતિભારે વરસાદની ચેતવણી જાહેર થઇ છે  હવામાન વિભાગના જણાવ્યા મુજબ  પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, આંદમાન નિકોબાર દ્વીપસમૂહ, કર્ણાટકના કિનારાના વિસ્તારો અને આંધ્રપ્રદેશમાં આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

 

  જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પૂર્વોત્તરના રાજ્યો સહિત કર્ણાટકના અંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે. રાજધાની દિલ્હીમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન હિમાલય નજીક આવેલાં રાજ્યો પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે

 . ઉત્તરપ્રદેશમાં હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ લોકોને પરેશાન કરી દીધા છે. રાજધાની લખનૌ અને આસપાસના જિલ્લામાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યો હતો અને વીજળી પડવાથી ૧૩ લોકોનાં મોત થયાં હતાં

  ઉત્તરીય રાજ્યો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો ઘેરાયાં છે અને આગામી ૨૪ થી ૪૮ કલાક આ રાજ્યો માટે મહત્વના સાબિત થશે. અરબ સાગરના કિનારાના પ્રદેશોમાં અતિભારે વરસાદ અને તોફાની પવન શરૂ થઈ ગયો છે, જેનાથી દરિયામાં ઊંચા મોજા પણ ઊછળી રહ્યાં છે.

 હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક સુધી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તોફાની પવન સાથે ધૂળની આંધી ભારે તબાહી નોતરી શકે તેમ હોવાથી તંત્રને પણ સાવચેત કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને રજાઓ રદ્દ કરીને ફરજ પર હાજર રહેવા અને લોકોના સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

(1:04 pm IST)