Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાહુલ સક્રિય થયાઃ ચૂંટણી તૈયારીની કરશે સમીક્ષા

કોંગ્રેસમાં ખુશીની લહેર સાથે ખુશીનો માહોલ

નવી દિલ્હી, તા.૨૬:  લોકસભા ચૂંટણી પછી હતાશ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી નેતૃત્વને છોડવાની જાહેરાત કરી હતી અને અત્યાર સુધી આ મામલે રાજકીય જગતમાં અનેક ચર્ચાઓએ જન્મ લીધો. પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે લોકસભા હારને ભૂલીને રાહુલ ગાંધી ફરી એકવાર મેદાનમાં ઉતર્યા હોવાની વાતો ચર્ચાઇ રહી છે. રાજકીય સૂત્રોનું માનીએ તો આગામી સમયમાં રાહુલ ગાંધી એ રાજયોના નેતાઓ સાથે બેઠક કરવા જઇ રહ્યા છે જયાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

જો કે રાહુલ ગાંધીના આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદે રહે છે કે નહી એ તો આગામી કોંગ્રેસ કાર્યસમિતિ બેઠકમાં નક્કી થશે. આ મામલે રાહુલ પણ તેમના નિર્ણય પર અડગ છે, પરંતુ વિધાનસભા ચૂંટણી માટેની તેમની પ્રથમ તૈયારીઓ કોંગ્રેસ માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત પછી રાહુલ ગાંધીએ પહેલી વાર પાર્ટી સંગઠનથી જોડાયેલા નિર્ણયમાં ભાગ લીધો છે. આ પહેલા તેઓ તુગલક રોડ પર સ્થિત પોતાના આવાસમાં હતા જયાં કોઇ પણ નેતા સાથે તેમણે મુલાકાત નહોતી કરી. 

બીજી તરફ રાજકારણમાં સમાચાર ફેલાઇ રહ્યા છે કે, રાહુલ ગાંધી ૨૭ જૂને મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં નેતાઓની મુલાકાત કરશે. આ બેઠક વિધાનસભા ચૂંટણી મામલે હશે.

ઉલ્લેખનીય છે રવિવારે જ કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની કોંગ્રેસ સમિતિઓને વિખૂટી કરી હતી. રાહુલની સક્રિયતા પર માનવામાં આવી રહ્યું છે કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદે જ રહી પાર્ટીનું નેતૃત્વ કરશે.

(11:29 am IST)