Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

હાઉસીંગ સેકટરને દોડતુ કરવા બજેટમાં રાહતોનો વરસાદ થવાની શકયતા છે

મકાન ખરીદી માટે વધુ ટેક્ષ રાહત અપાશેઃ એફોર્ડેબલ હાઉસીંગ માટે વ્યાજના દર નીચા રખાશેઃ બીજુ ઘર ખરીદનારને વ્યાજ પર ટેક્ષ ડિડકશનના લાભ

નવી દિલ્હી, તા. ૨૬ :. સરકાર આગામી બજેટમાં હાઉસીંગ સેકટરને ઉત્તેજન આપવાનાં પગલા જાહેર કરે તેવી શકયતા છે. તેનાથી ધીમા પડેલા અર્થતંત્રને ઝડપથી વેગ આપી શકાશે અને વધુ રોજગારીનું સર્જન કરી શકાશે.

મકાનની ખરીદી માટે વધુ ટેકસ રાહત અપાય તેવી સંભાવના છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ માટે વ્યાજના  દર નીચા રખાશે અને બીજું ઘર ખરીદનારાઓને અમુક લાભ ફરીથી અપાશે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાઉસિંગ સેકટરને ઉત્તેજન આપવા માટે કેટલાક પ્રોત્સાહન આપવા જરૂરી લાગે છે. વધારે ટેકસ રાહત આપવાની કે એફોર્ડેબલ હાઉસિંગને ઉત્તેજન આપવાની વિચારણા ચાલે છે. પાંચમી જુલાઈએ બજેટ વખતે આ દરખાસ્ત પર અંતિમ નિર્ણય લેવાશે. અર્થતંત્રની ગતિ ધીમી પડી હોવાથી નીતિ નિર્ધારકો તેને પાટે ચઢાવવાના રસ્તા વિચારી રહ્યા છે. હાઉસિંગ સેકટર પર ધ્યાન આપીને આર્થિક વૃદ્ધિને ટેકો આપી શકાય છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯માં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૬.૮ ટકા થયો હતો જે પાંચ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. નરેન્દ્ર મોદી સરકારે જુલાઈ ૨૦૧૪માં તેનુ પ્રથમ બજેટ રજુ કર્યુ હતુ ત્યારે હાઉસિંગ લોન પર વ્યાજના કપાતની મર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૨ લાખ કરી હતી. બાંધકામ પાંચ વર્ષની અંદર પૂર્ણ થાય તો કુલ ડિડકશન કલેમ કરી શકાય તેવી શકયતા છે.

સરકાર પ્રિકન્સ્ટ્રકશનના ગાળા માટે પણ કેટલાક લાભ જાહેર કરી શકે છે કારણ કે ઘણા ગ્રાહકોને મકાનનો કબ્જો મળવામાં વિલંબ થાય છે. આ ઉપરાંત બાંધકામ અગાઉના તમામ વ્યાજને ટેકસ રાહત આપી શકાય છે. આગામી બજેટમાં બીજા ઘરની ખરીદીને ઉત્તેજન આપવાથી રિયલ્ટી સેકટરમાં વણ વેચાયેલી ઈન્વેન્ટરીનો નિકાલ લાવવામાં મદદ મળશે. નાંગિયા એડવાઈઝર્સ એલએલપીના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર રાકેશ નાંગિયાએ જણાવ્યુ કે, 'પ્રિકન્સ્ટ્રકશન ગાળા માટે વ્યાજ પરત મેળવવાની બે લાખ રૂપિયાની મર્યાદા દૂર કરવાની જરૂર છે કારણ કે ગ્રાહક બેન્કને વ્યાજ ચૂકવે છે તે કયારેય ફરી મેળવી શકતા નથી.' અગાઉ બીજું ઘર ખરીદનારે લોન માટે જે વ્યાજ ભર્યુ હોય તેના પર ટેકસ ડિડકશન કલેમ કરી શકતા હતા જેમાં કોઈ નાણાકીય લિમીટ ન હતી. ભાડાની આવક કરતા વ્યાજ વધારે હોવાથી તેમા જે નુકસાન થતુ તેને અન્ય આવક સામે સરભર કરી શકાતું હતું.(૨-૨)

(10:21 am IST)