Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઇમરજન્સી ભારત માટે કાળો દિવસ : કોંગ્રેસે પરિવાર ભકિત - પાગલપનમાં દેશને બનાવ્યુ'તું જેલખાનુ

ઇમરજન્સી પર મોદી કોંગ્રેસ પર ગર્જયા : કોંગ્રેસની માનસિકતામાં આજે પણ બદલાવ આવ્યો નથી

મુંબઇ તા. ૨૬ : દેશમાં ૪૩ વર્ષ પહેલાં નાંખવામાં આવેલ ઇમરજન્સી પર મુંબઇમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ દેશમાં જયારે-જયારે કોંગ્રેસ અને ખાસ કરીને એક પરિવારને પોતાની ખુરશી જવાનો ખતરો લાગે તો તેમણે બૂમો પાડવાનું શરૃ કર્યું કે દેશને ખતરો છે, દેશ બર્બાદ થવાનો છે અને આપણે જ બચાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે લોકતંત્રમાં સચેત રહેવા માટે આપણે આ દિવસને યાદ કરીએ છીએ. એક પરિવાર માટે આ દેશની ન્યાયપાલિકાની ગરીમા પર પણ પ્રહારો કરાયા. તેમણે કહ્યું કે કોંગ્રેસની માનસિકતામાં આજે પણ બદલાવ આવ્યો નથી.

પીએમે કહ્યું કે જેન પરાધીનતાના સંઘર્ષને જોયો નથી તેમની સામે આઝાદીની કેટલી પણ વાતો કરો એ અનુભવ કરી શકે નહીં. આજની પેઢીમાં નવજવાનોને જો પૂછવામાં આવે તો તેમને ખાસ ખબર પડશે નહીં. તેમની અંદરથી આગ પ્રગટ થશે નહીં. તરસ્યાને ખબર પડે કે પાણી ના હોય તો તે પળ કેવી હોય છે. વ્યકિતના અભાવમાં અનુભવ હોય છે. દેશે કયારેય વિચાર્યું પણ નહોતું કે સત્તા સુખ અને પરિવાર હિત માટે લોકો હિન્દુસ્તાનને જેલખાનું બનાવી દેશે. દેશના નેતાઓને જેલના સળિયામાં બંધ કરી દેવાશે.

કોંગ્રેસવાળાઓએ ડર ઉભો કર્યો. તેમણે એવો કાલ્પનિક ભય ઉભો કર્યો કે ભાજપ આવશે તો મુસલમાનોને મારી નંખાશે, દલિતો માટે મુશ્કેલ થશે. આ પ્રકારનો તેમનો જે ભાવ છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે લોકતંત્રને કેદખાનામાં બંધ કરી દીધું તે દુનિયામાં ભય ઉભો કરી રહ્યા છે કે મોદી છે સંવિધાનને ખત્મ કરી દેશે.

લોકોને ડર રહ્યો હતો કે તેમનું પણ નામ 'મીસા'માં છે. તેમની ચતુરાઇ જુઓ બધું જ સંવિધાનની અંતર્ગત કરાયું હતું. એક પરિવાર માટે સંવિધાનને હથકડીની જેમ ઉપયોગ કરાયો. મોદીએ કહ્યું કે કેટલાંય પત્રકારો ભલે વૈચારિક રીતે અમારી વિરૃદ્ઘ હોય પરંતુ તેમણે લોકતંત્ર માટે લડાઇ લડી હતી આથી હું તેમને સેલ્યુટ કરું છું. ઇમરજન્સી પર ભાજપ કાળો દિવસ મનાવી રહી છે. આ કાર્યક્રમને 'ઇમરજન્સી : લોકતંત્ર પર આઘાત' નામ અપાયું હતું. ઇમરજન્સી વિરૃદ્ઘ જે લોકોએ લડાઇ લડી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ તેમના પ્રત્યે આભાર પ્રગટ કરવા માટે મુંબઇ પહોંચ્યા છે. મુંબઇ ભાજપે ન્યુ મરીન લાઇન્સ સ્થિત બિરલા માતોશ્રી સભાગૃહમાં તેના માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, મુંબઇ ભાજપ અધ્યક્ષ આશીષ શેલાર અને બીજા લોકોને સામેલ કરાયા.

આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ૧૯૭૫-૭૭ના ઇમરજન્સી 'કાળો દૌર' હતો, જે દેશ કયારેય ભૂલી શકશે નહીં. મોદીએ લેખન, ચર્ચા, વિચાર-વિમર્શ અને પ્રશ્નો દ્વારા લોકતંત્રને મજબૂત બનાવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે ભારત ઇમરજન્સીને કાળા દોર તરીકે યાદ કરે છે, જે દરમ્યાન દરેક સંસ્થાનને નષ્ટ કરી દેવાઇ અને ડરનો માહોલ ઉભો કરાયો. માત્ર લોકો જ નહીં પરંતુ વિચારો અને કલાત્મક સ્વતંત્રતા પર પણ બંદિશો લગાવામાં આવી.

મોદીએ ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ લગાવામાં આવેલ ઇમરજન્સીનો દ્રઢતાથી વિરોધ કરનાર નાગરિકોના જ્જબાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે હું એ તમામ મહાન મહિલાઓ અને પુરૂષોના સાહસને સલામ કરું છું જેમણે ૪૩ વર્ષ પહેલાં લગાવામાં આવેલ ઇમરજન્સીનો દ્રઢતાથી વિરોધ કર્યો હતો. મોદીએ ભારતીય લોકતંત્રને મજબૂત બનાવાની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો.

(4:29 pm IST)