Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

PNBમાં 'દલા તરવાડીવાળી' : મેનેજરે પેઢી સમજી વ્હેંચી ૧૩૫૦૦ લોન

૧૩૦૦૦ કરોડના કૌભાંડમાં નવો ધડાકો : અધિકાર - પાવર હતો ૨૫ - ૨૫ લાખની લોન આપવાનો પણ આપી ૧-૧ કરોડની ૧૩૫૦૧ લોન : આંતરિક તપાસમાં ખુલી 'લાલિયાવાળી' : માની ન શકાય તેવી 'ઘરની ધોરાજી' ચાલતી'તી : મેનેજર ગોકુલ શેટ્ટી મોટો ખેલાડી નીકળ્યો

નવી દિલ્હી તા. ૨૬ : પંજાબ નેશનલ બેંકમાં ૧૩ હજાર કરોડ રૂપિયાની લોન કૌભાંડની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંક સિસ્ટમમાં એવી ગંભીર સમસ્યાઓ હતી જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તપાસ રીપોર્ટ કહે છે કે પીએનબીના મુંબઇમાં આવેલ બ્રેડી હાઉસ બ્રાંચની ગરબડ નિગરાની તેમજ શંકાસ્પદ સંચાલન વ્યવસ્થાના કારણે જ મેનેજર ગોકુલ શેટ્ટીએ અધિકૃત સીમાથી વધુની રકમની ૧૩ હજાર લોન પાસ કરી. આજ શાખા પરથી હીરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીને ગેરકાયદેસર રીતે એલઓયુ બહાર પાડયું હતું.

પીએનબી અધિકારીઓની ચાર સભ્યોની તપાસ દળને જાણવા મળ્યું કે કૌભાંડનો મુખ્ય આરોપી ગોકુલ શેટ્ટી નિયમોને બાજુમાં રાખીને શાખા ચલાવાનો આરોપ લાગવા છતાંય રડારમાંથી બહાર જ રહ્યો. શેટ્ટીને કાયદાકીય રીતે ૧૦ લાખથી ૨૫ લાખ રૂપિયા સુધીની જ લોન પાસ કરવાનો અધિકાર હતો. જોકે તેને અમર્યાદિત અધિકારના ઉપયોગની ગેરકાયદેસર 'મંજુરી' મળેલી હતી.

શેટ્ટીએ પીએનબીના બ્રેડી હાઉસ બ્રાંચમાં ૭ વર્ષના તેના કાર્યકાળ દરમિયાન ૧ કરોડ અથવા તેનાથી વધુની રકમના ૧૩,૫૦૧ લોન પાસ કરી રીપોર્ટ કહે છે, એવું જાણવા મળી રહ્યું છે કે, ૨૦૧૭માં તે જ એન્ટ્રી કરતો હતો અને તેની દેખરેખ પણ રાખતો હતો. જો તેના સહકર્મી દૈનિક નિગરાની વ્યવસ્થાનો રીપોર્ટ જોયો હોત તો કૌભાંડને જાણી શકાત.

જુનિયર રેન્કના અધિકારીને બેંકનો સોફટવેર એકસેસ કરવાનો સંપૂર્ણ અધિકાર આપી દિધો. શેટ્ટી જ મોટી રકમના લેણદેણને વેરીફાઇ કરતો હતો. જેનાથી કયારેય પકડાયો નથી. વધુમાં ઉમેર્યું છે કે, કોઇ અન્ય અધિકાર ટ્રાન્ઝકેશન્સ કિલર કરી રહ્યો હોય તો કોઇ સીનિયર ઓફિસરની દખલગીરી હોય તો અનધિકૃત લેણદેણ પકડમાં આવી શકતી હતો.

રીપોર્ટના જણાવ્યા મુજબ પીએનબીમાં અનેક શંકાસ્પદ ગતિવિધિઓને નજર અંદાજ કરવામાં આવી.

જોકે શેટ્ટીએ પીએનબીના દિલ્હી મુખ્યાલયના ટ્રેઝરી ડિવીઝનને સામાન્ય કામકાજી સમયની અંદર રાત્રે ૮ થી ૯.૩૦ વાગ્યે ઓછામાં ઓછા ૩૫ મેઇલ મોકલ્યા હતા. તેના ઓછામાં ઓછા ૨૨ ઇમેલ તેને તેની પર્સનલ આઇડીમાંથી મોકલ્યા હતા. રીપોર્ટ કહે છે. આ દરેક ઇમેલ નીરવ મોદી ગ્રુપની કંપનીઓ ડાયમંડ આરયુએસ, સોલર એકસપોર્ટસ અને સ્ટેલર એકસપોર્ટસને મોટી રકમ આપવામાં આવી.

રીપોર્ટએ પણ કહે છે શેટ્ટીને વરિષ્ઠ અધિકારીઓની છત્રછાયા પણ પ્રાપ્ત હતી કારણ કે બ્રેડી હાઉસ બ્રાંચમાંથી તેનું ત્રણ ચાર ટ્રાન્સફર થયું પરંતુ તેને કયારેય પણ રીલીવ કરાયા નહીં. નિયમમાં જણાવ્યા મુજબ બ્રેડી હાઉસ બ્રાંચમાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરા થવા પર ૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ શેટ્ટીનો ટ્રાન્સફર ઓર્ડર બહાર પડયો પરંતુ તે ત્યાં જ રહ્યો ત્યારબાદ ૧ જુલાઇ ૨૦૧૩ના રોજ તેની પીએનબી હાઉસ બ્રાંચ અને પાંચ મહિના બાદ ફોરસોર રોડ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ તે ટસથી મસ થયો નહિ.

(4:03 pm IST)