Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

આંધ્ર યુનિવર્સિટીએ કેમિસ્ટ્રીમાં BCOMની ડિગ્રી આપી

હૈદરાબાદ તા. ૨૬: એક સામાન્ય ગ્રેજયુએટને કોમર્સની ડિગ્રી આપીને આંધ્ર પ્રદેશની યુનિવર્સિટી આજકાલ ચર્ચામાં છે. વાત એમ છે કે શ્રી કાકુલમ જિલ્લાના નંદીગ્રામમાં રહેતા અત્તાડા શ્રી હરિ નામના ભાઇએ સાયન્સમાં ગ્રેજયુએશન પુરું કર્યુ હતું. ૨૦૧૫-'૧૬ના વર્ષમાં શ્રી હરિએ પરીક્ષા આપી હતી. તેણે કેમિસ્ટ્રી, બોટની અને ઝુઓલોજી વિષય પસંદ કરેલા. જોકે જયારે તેમને ગ્રેજયુએશનની ડિગ્રી આપવામાં આવી ત્યારે એમાં બી.કોમ લખેલું. પોસ્ટ દ્વારા ડિગ્રી શ્રીહરિના ઘરે આવી હતી. ભાઇએ પણ પોતાના ડિગ્રી સર્ટિફીકેટને બહુ ધ્યાનથી જોયું નહોતું, પણ જયારે આ સર્ટિફીકેટ લઇને તેઓ જોબ માટે ઇન્ટરવ્યું આપવા ગયા ત્યારે આ ગોટાળો સામે આવ્યો. તરત જ યુનિવર્સિટીને જાણ કરવામાં આવી અને અધિકારીઓએ પંદર જ દિવસમાં આ ભુલ સુધારી લેવામાં આવશે એવી બાંયધરી આપી જોકે મહિનાઓની રાહ જોયા પછીયે યુનિવર્સિટી જાગી નહીં એટલે શ્રીહરિએ સોશ્યલ મિડીયામાં એની પોલ ખોલી. હવે આ ભૂલ કેવી રીતે થઇ અને કોણે કરી એનો ખુલાસો રાજયના શિક્ષણ ખાતાએ માગ્યો છે.

(3:53 pm IST)