Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

એક ઘરમાંથી નીકળ્યા બે પુખ્ત ને ૧૧૧ બાળ કોબ્રા

નવી દિલ્હી તા. ર૬ :.. ઓડિશાના ભદ્રક જિલ્લાના શ્યામપુર નામના ગામમાં એક માટીના કાચા ઘરમાંથી સ્નેશ હેલ્પ લાઇનના નિષ્ણાતોએ બે પુખ્ત કોબ્રા અને એનાં કુલ ૧૧૧ બચ્ચાં પકડયાં હતાં. સાપ પકડનારી ટીમનું કહેવું હતું કે આ તમામ સાપ બે થી ત્રણ દિવસના જ હતાં. બિજેય ભુયાન નામના ભાઇને  ત્યાં આ નજારો જોવા મળ્યો હતો ભાઇનું કહેવું હતું કે તેને ત્યાં કયારેક એકલા-દોકલ સાપ નીકળતા હતાં. એ વખતે તે દૂધનો વાટકો ઘરના ખૂણે મૂકી દેતો. તેનું માનવું હતું કે સાપથી ઘરમાં સમૃધ્ધિ આવે. શનિવારે જયારે તેણે બે-ત્રણ સાપનાં બચ્ચા જોયા ત્યારે એને પકડવા માટે તે સપેરાને બોલાવી લાવ્યો. સપેરાએ ખાસ ધૂન બજાવીને સાપોને ત્યાંથી હટાવીને બહાર લઇ જવાની કોશીષ કરી. જો કે સપેરાની ધૂન સાંભળીને થોડી જ વારમાં એટલા બધા સાપોનો જથ્થો એકઠો થઇ ગયો કે સપેરો પણ ગભરાઇ ગયો. પોતે આટલા સાપોને હેન્ડલ નહીં કરી શકે એમ કહીને સપેરાએ હાથ ઊંચા કરી દીધા. આખરે સ્નેક હેલ્પલાઇન પરથી ફોરેસ્ટની ટીમને બોલાવવામાં આવી. આ ટીમ પણ અચરજમાં પડી ગઇ હતી, કેમ કે તેમણે પણ જથ્થાબંધ સંખ્યામાં આવી રીતે સાપ જોયા નહોતાં.

નિષ્ણાતોનું કહેવું છે કે માદા કોબ્રા એક સમયમાં ૩૦ થી ૪૦ ઇંડા આપી શકે છે.એ ઇંડામાંથી સાપ નીકળતાં ૬૦ થી ૮૦ દિવસનો સમય લાગે છે. એક જ માદાએ આટલી મોટી સંખ્યામાં ઇંડા આપ્યા હોય તો ખરેખર આશ્ચર્યની વાત છે. હાલમાં ફોરેસ્ટ વિભાગે શ્યામપુર ગામમાં હાઇ એલર્ટ લગાવી દીધી છે અને કોઇને પણ એક કોબ્રા દેખાય તો પણ સુચિત કરવાનું કહ્યું છે. (પ-૯)

(11:28 am IST)