Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મોંઘવારીના ધૂણતા રાક્ષસને નિયંત્રણમાં લાવવા કેન્દ્ર મેદાને

ચૂંટણીના વર્ષમાં સરકારે ઈચ્છે છે કે ફળ-શાકભાજી, દાળ, ચોખા અને અન્ય ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહેઃ ડીમાન્ડ અને સપ્લાય પર ચાંપતી નજરઃ સંગ્રહાખોરો વિરૂદ્ધ ધોકો પછાડવામાં આવશેઃ બટેટાના વધતા ભાવ પર સરકારની નજરઃ રાજ્યોની મદદથી પગલા

નવી દિલ્હી, તા. ૨૬ :. ચૂંટણીના વર્ષમાં સરકારે ઈચ્છે છે કે ફળ-શાકભાજી, દાળ, ચોખા અને અન્ય ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે. આ માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. ફુડ એન્ડ સપ્લાય મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ડિમાન્ડ અને સપ્લાયનો ડેટા તૈયાર કરે કે જેથી જે ચીજવસ્તુની સપ્લાયમાં ગરબડ હોય કે પછી તેની અછત હોય તો તેનો પુરવઠો તરત જ વધારી દેવો. સંગ્રહાખોરો સામે મોટાપાયે પગલા પણ લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર શાકભાજી, ફળ અને દાળ વગેરેના ભાવો પર નજર રાખવા માટે ટૂંક સમયમાં કમિટીઓ બનાવશે. આ કમીટીઓ ડીમાન્ડ અને સપ્લાય પર નજર રાખશે એટલુ જ નહિ ભાવ વધવા પર તેનુ કારણ શોધીને તરત કાર્યવાહી કરવા સૂચનો પણ આપશે.ફુડ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર બટેટાના વધતા ભાવો પર ચાંપતી નજર રાખી રહી છે. રીટેલ માર્કેટમાં બટેટાનો ભાવ ૨૫ થી ૩૦ રૂ. પ્રતિ કિલો થઈ ગયો છે. જ્યારે કેટલાક દિવસો પહેલા આ ભાવ ૧૦ રૂ. હતો. મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલા બટેટાની વધુ ઉપજની વાત કહેવામાં આવતી હતી પરંતુ હવે એના ભાવમાં ઉછાળો અનેક સવાલો ઉભા કરે છે. ભાવ વધવાની તપાસ એક કમીટી કરશે. જો કે એવુ પણ કહેવાય છે કે પંજાબ અને યુપીમાં બટેટાનો ૧૫ થી ૨૦ ટકા પાક ખરાબ થઈ ગયો છે જેના કારણે તેના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

ફુડ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ છે કે, મોંઘવારીને કંટ્રોલમાં લાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્યોની મદદ લેશે. અનેક મામલાઓમાં જોવામાં આવ્યુ છે. મોંઘવારી વધવાની પાછળ જમાખોરી પણ એક મહત્વનું કારણ હોય છે. એવામાં સરકાર જમાખોરો પર કાર્યવાહી કરવામાં પીછેહઠ નહિ કરે.

ફુડ મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે જરૂર પડશે તો ખાદ્ય ઉત્પાદનોની સ્ટોક લીમીટ નક્કી કરવામાં આવશે અને નિયમ ન પાળનાર સામે આકરી કાર્યવાહી થશે. અધિકારીઓએ કહ્યુ હતુ કે સરકારે જરૂર પડવા પર અનેક ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે સ્પેશ્યલ ફંડ બનાવ્યુ છે. મોંઘવારીને કાબુમાં લાવવા માટે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.

 

(11:26 am IST)