Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચોક્કસપણે થશે

સંત સમાજને યોગી આદિત્યનાથે ખાતરી આપી : રામની જન્મભૂમિના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે : બંધારણમાં રહીને કામ થઇ રહ્યું છે જેથી ધૈર્ય જરૂરી

અયોધ્યા,તા. ૨૫ : મહંત નૃત્યગોપાલ દાસના જન્મદિવસ પર અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી હતી કે, થોડાક સમય સુધી ધૈર્ય રાખવાની જરૂર છે. ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર ચોક્કસપણે બનશે. યોગીએ કહ્યું હતું કે, આમા કોઇ શંકા હોવી જોઇએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે, બંધારણની હદમાં રહીને કામ કરવું છે જેથી સંયમ જરૂરી છે. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણનો ઉકેલ ચોક્કસપણે આવશે. સંત સમાજને હાલમાં સંયમ અને ધૈર્ય રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે લોકો રામજન્મભૂમિ આંદોલનનો વિરોધ કરી રહ્યા હતા તે લોકો પણ હવે મંદિરની વાત કરી રહ્યા છે. તે કાવતરુ પણ હોઈ શકે છે. આનાથી સાવધાન થવાની જરૂર છે. યોગીએ વિપક્ષી પાર્ટીઓ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આજે એવા લોકો રામ મંદિરની વાત કરી રહ્યા છે જે લોકોએ રામ ભક્તો ઉપર ગોળીઓ ચલાવવા માટેના આદેશ આપ્યા હતા.

 યોગીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા પહોંચ્યા છે. યોગીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઇ કામ કર્યા ન હતા પરંતુ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસ માટે કોઇ કામ બાકી રાખશે નહીં. યોગીએ કહ્યું હતું કે, અયોધ્યામાં અગાઉની સરકારે રામલીલા બંધ કરાવી દીધી હતી પરંતુ તેમની સરકાર રામલીલાને ફરી શરૂ કરાવી ચુકી છે. અયોધ્યાના વિકાસ માટે એક સમગ્ર રુપરેખા તૈયાર કરવામાં આવી ચુકી છે. વિજળીના લાઈવ તારને દૂર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા કરવા માટે પણ તેઓએ અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં મંદિર મુદ્દે વહેલીતકે સુનાવણી થાય તેવી ઇચ્છા પણ તેમની પાર્ટીની રહેલી છે પરંતુ કોંગ્રેસે રામ મંદિરની સુનાવણીને ટાળવા માટે કહ્યું છે. આવા જ લોકો હવે બિનજરૂરી હોબાળો મચાવી રહ્યા છે.

(12:00 am IST)