Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ઓરિસ્સાના પ્રકૃત્તિપ્રેમી શિક્ષકે લગ્નમાં સાસરીયા પાસે દહેજમાં ૧૦૦૧ વૃક્ષોના રોપ માંગ્યાઃ લગ્ન બેન્ડવાજા અને ફટાકડા ફોડ્યા વગર સાદાઇથી કર્યા

કેન્‍દ્રપરા (ઓરિસ્સા): ઓરિસ્સામાં એક શિક્ષકે તેના લગ્ન સમયે દહેજમાં એક વિશેષ માંગણી કરતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. 33-વર્ષનાં શિક્ષકે લગ્ન સમયે દહેજ લેવાને બદલે સાસરિયા પક્ષ પાસેથી લગ્નની ભેટ સ્વરૂપ 1001 વૃક્ષોના રોપાં માંગ્યા હતા. સાસરિયા પક્ષનાં લોકો આ માંગણીથી આશ્ચર્ય પામ્યા હતા અને તેના ખુશીથી સ્વીકારી લીધી હતી. આ કિસ્સો ઓરિસ્સાના કેન્દ્રપરા જિલ્લામાં બન્યો હતો.

સરોજ કાંતા બિસ્વાલે જણાવ્યું કે, તે પોતે બાળપણથી જ પ્રકૃતિપ્રેમી છે અને તેને વૃક્ષો ખુબ ગમે છે. સરોજ કાંતા બિસ્વાલે જણાવ્યું કે, હું દહેજ પ્રથાનો વિરોધી છું. હું એક પ્રકૃતિપ્રેમી છું. મને બાળપણથી જ વૃક્ષો ખુબ ગમે છે. એટલા માટે, મેં 1001 વૃક્ષોના રોપાં માંગ્યા છે. આ વૃક્ષો ફળાઉં છે. જેથી પક્ષીઓ તેનાં ફળ ખાઇ જશે.

કાંતા અને સરોજના લગ્ન ખુબ સાદાઇથી કરવામાં આવ્યા. તેમના લગ્નમાં કોઇ બેન્ડવાજા વગાડવામાં આવ્યો નહોતો. ફટાકડા પણ ફોડવામાં આવ્યા નહોતા. આ લગ્ન મહર્ષઘાઇ જિલ્લાનાં આદમપુર ગામમાં થયા હતા.

ગામના સરપંચે જણાવ્યુ કે, જમાઇ સરોજ કાંતા બિસ્વાલે 1001 વૃક્ષનાં રોપાંની ભેટ સ્વરૂપે માંગણી કરી હતી તે પુરી કરવામાં આવી હતી. આ એક વિશેષ માંગણી હતી અને સૌ લોકોએ તેને વધાવી લીધી હતી.

સરોજ કાંતા બિસ્વાલે વધુમાં જણાવ્યુ કે, મારી પત્ની રશ્મીરેખા પટિયાલા પણ શિક્ષિકા છે. મેં દહેજ લેવાનો ઇન્કાર કર્યો તેનાથી તે પણ રાજી છે. દહેજના બદલે રોપાં લીધા તેનાથી તે ખુબ ખુશ છે.

(6:02 pm IST)