Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હિટલર અને ઇન્દિરા ગાંધીઅે ક્યારેય સંવિધાનને રદ્દ કર્યો નથી, તેમણે લોકતંત્રને સરમુખત્યારશાહીમાં બદલવા માટે અેક ગણતંત્ર રાજ્યના સંવિધાનનો ઉપયોગ કર્યો હતોઃ કટોકટીની વરસી ઉપર નાણામંત્રી અરૂણ જેટલી કોંગ્રેસ ઉપર વરસ્યા

નવી દિલ્હીઃ કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીઅે આજે કટોકટીની વરસી ઉપર સોશ્યલ મીડિયામાં અેક પોસ્ટ લખી કોંગ્રેસ ઉપર બરાબરના ચાબખા માર્યા હતા.

આ પોસ્ટમાં તેમણે તત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને જર્મન ચાન્ચેલર એડોલ્ફ હિટલરની તુલના કરી હતી. તેમણે કટોકટી પર લખેલા પોતાના લેખના બીજા ભાગમાં લખ્યું છે કે, "હિટલર અને શ્રીમતી ગાંધીએ ક્યારેય સંવિધાનને રદ નથી કર્યું. તેમણે લોકતંત્રને સરમુખત્યારશાહીમાં બદલવા માટે એક ગણતંત્ર રાજ્યના સંવિધાનનો ઉપયોગ કર્યો હતો."

જેટલીએ લખ્યું, "હિટલરે સંસદના મોટાભાગના વિપક્ષી સભ્યોની ધરપકડ કરી લીધી અને લઘુમતિમાં રહેલી સરકારને બહુમતિમાં પરિવર્તિત કરી દીધી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ મોટાભાગના વિપક્ષના સભ્યોની ધરપકડ કરી લીધી હતી, અને એવી રીતે તેમની ગેરહાજરીમાં બે તૃતિયાંસ બહુમતિથી અનેક અપ્રિય બિલ પણ પસાર કરવા સક્ષમ બની ગયા હતા."

અરુણ જેટલીએ લખ્યું છે કે, "એક શક્તિ જેના વિશે ડો. આંબેડ્કરે કહ્યું હતું કે તે ભારતના સંવિધાનનું દિલ અને આત્મા છે, તેને 42માં સંશોધન મારફતે રિટ પિટીશન જાહેર કરવા માટે હાઈકોર્ટની શક્તિને ઓછી કરી નાખી હતી. તેમણે કલમ 368માં પણ સંશોધન કર્યું, જેના કારણે સંવિધાન સંશોધન ન્યાયિક સમીક્ષાથી અલગ રહે.

જેટલીએ લખ્યું છે કે, "એવી અમુક વસ્તુ હતી જે હિટલરે કરી ન હતી, પરંતુ શ્રીમતી ગાંધીએ તે કરી હતી. તેમણે મીડિયામાં સંસદની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પર રોક લગાવી દીધી હતી. સંસદની કાર્યવાહી મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો અધિકાર આપતો કાયદો લોકજીભે ફિરોજ ગાંધી બિલ તરીકે ઓળખાતો હતો, કારણ કે સ્વ. ફિરોજ ગાંધીએ હરિદાસ મુંદ્રા ગોટાળા પછી તેના માટે એકમાત્ર પ્રચાર કર્યો હતો. સંસદમાં તેમના દ્વારા આ વાતને ઉઠાવવામાં આવી હતી. જો આપણે હિટલરની ચૂંટણીને બાજુમાં રાખી દઈએ તો પણ તેમણે આવું કોઈ પરિવર્તન કર્યું ન હતું. શ્રીમતી ગાંધીએ બંધારણ અને લોક પ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કર્યો હતો."

આ પહેલા રવિવારે જેટલીએ કટોકટી પર એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ 40 વર્ષ પહેલા કેવી રીતે કટોકટી લાદી દીધી હતી અને લોકશાહીને સરમુખત્યારશાહીમાં બદલી દીધી હતી.

(6:01 pm IST)