Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમૃતસર એરપોર્ટ ઉપર ચાર ફ્લાઈટનાં ઈમરજન્સી લેન્ડિંગ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીનું હવામાન ખરાબ ઃ ૧૧ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી, આ ૧૧ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું

નવી દિલ્હી, તા.૨૬ ઃ ગુરુવારે રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે એક પછી એક ૪ ફ્લાઈટ્સનું અમૃતસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ રાત્રે અમૃતસર એરપોર્ટથી લગભગ ૨ વાગ્યે મોકલવામાં આવ્યા હતા.

ગુરુવારે રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીનું હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. જેના કારણે ૧૧ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ૧૧ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યું હતું, જેમાંથી એક અમૃતસર એરપોર્ટ છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ગુરુવારે મોડી રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઈ હતી. ખરાબ હવામાનને કારણે ૯ ડોમેસ્ટિક અને ૨ ઈન્ટરનેશનલ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.

તેમાંથી ચાર ફ્લાઈટ્સ અમૃતસર, ત્રણ ફ્લાઈટ્સ જયપુર અને આ સિવાય અન્ય ફ્લાઈટ્સ અમદાવાદ, ઈન્દોર, ચેન્નાઈ અને ગ્વાલિયરમાં લેન્ડ કરવાની હતી. બપોરે ૨ વાગ્યાની આસપાસ હવામાનમાં સુધારો થતાં આ ફ્લાઈટોને દિલ્હી મોકલવામાં આવી હતી.

બેંગ્લોરની દિલ્હીની ફ્લાઇટ વિસ્તારા યુકે૮૧૮ને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. આ સિવાય ભુવનેશ્વર દિલ્હીની ફ્લાઈટ ઈન્ડિગો 6E2207, મુંબઈ દિલ્હી ફ્લાઈટ વિસ્તારા યુકે૯૪૦, સાઉદી અરેબિયાના રિયાધથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની એઆઈ૯૨૬ ફ્લાઈટને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

ઈન્દોર-દિલ્હી આવતી ઈન્ડિગો 6E2174 ફ્લાઇટને જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

ઝારસુગુડા દિલ્હી ફ્લાઈટ સ્પાઈસજેટ SG8362, રાજકોટ દિલ્હી ફ્લાઈટ એર ઈન્ડિયા એઆઈ૪૦૪ જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પુણે- દિલ્હીની ફ્લાઈટ એર ઈન્ડિયા એઆઈ૮૫૦ ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ થઇ હતી.

કોલકાતા દિલ્હીની ફ્લાઈટ ઈન્ડિગો ૬ઈ૬૧૮૩ ઈન્દોર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

આ સિવાય હોંગકોંગ દિલ્હી ઈન્ટરનેશનલ ફ્લાઈટ કૈથે-પેસિફિક સીએક્સ ૬૯૫ને ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જેથી મુંબઈ દિલ્હીની ફ્લાઈટ એર ઈન્ડિયા એઆઈ૮૮૮ને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

(8:13 pm IST)