Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

લાખો ભારતીય મૂળના યુવાઓને દેશમાંથી કાઢી શકે છે અમેરિકા

અમેરિકી સંસદમાં પેન્‍ડિંગ રહેલા ચિલ્‍ડ્રન એક્‍ટને પસાર કરવામાં ન આવે તો ભારતીય યુવકો માટે મુશ્‍કેલી ઊભી થઈ શકે છે

નવી દિલ્‍હી : અમેરિકામાં અઢી લાખથી પણ વધુ ડોકયુમેન્‍ટેડ ડ્રિમર્સ નું ભવિષ્‍ય ખતરામાં આવી ગયું છે અને એમના પર અમેરિકામાંથી નીકળી જવાનો ખતરો પેદા થયો છે અને આ વર્ગમાં મોટાભાગના ભારતીય મૂળના કિશોરો અને યુવાઓ સામેલ છે.

અમેરિકામાં લોંગ ટર્મ વિઝા પર કામ કરી રહેલા લોકોના બાળકોને ડોકયુમેન્‍ટેડ ડ્રિમર્સ કહેવામાં આવે છે અને જો ૨૧ વર્ષની ઉંમર થઈ જાય ત્‍યારે જો નાગરિકતા ન મળે તો દેશ છોડવો પડે છે.

આ વર્ગમાં મોટાભાગના ભારતીય મૂળના યુવાઓ સામેલ છે અને એ લોકો ઘણા સમયથી અમેરિકા સંસદમાં ચિલ્‍ડ્રન એક્‍ટ પાસ કરવાની માંગ કરી રહ્યા છે અને ૨૦૨૧ થી આ એક્‍ટ પેન્‍ડિંગ છે. જો આ કાયદો પાસ થઈ જાય તો અઢી લાખથી વધુ યુવાઓને નિયમ હેઠળ અમેરિકા નહીં છોડવું પડે અને એ લોકો અમેરિકામાં રહીને નાગરિકતા માટે અરજી કરી શકશે.

દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્‍યામાં લોકો પોતાના સપના પૂરા કરવા માટે અમેરિકા આવે છે અને તેમાંથી મોટી સંખ્‍યામાં લોકો બિન પ્રવાસી વિઝા અથવા લોંગ ધર્મ વિઝા પર અમેરિકામાં કામ કરે છે અને એમના બાળકોને ડોકયુમેન્‍ટેડ ડ્રીમર્સ કહેવામાં આવે છે.

આ બાળકો ૨૧ વર્ષની ઉંમર સુધી સમગ્ર કાયદાકીય અધિકારથી અમેરિકામાં રહી શકે છે અને શિક્ષણ મેળવી શકે છે. આ બાળકોને ૨૧ વર્ષની ઉંમર સુધી અમેરિકાની નાગરિકતા મળી જવી જરૂરી છે નહીંતર એમણે અમેરિકા છોડવું પડશે.

આ મુશ્‍કેલી ને પગલે જ છેલ્લા ઘણા સમયથી એવી માગણી કરવામાં આવી રહી છે કે જેમ બને તેમ જલ્‍દી ચિલ્‍ડ્રન એક્‍ટ પાસ કરવામાં આવે પરંતુ તેને પેન્‍ડિંગ રાખી દેવામાં આવ્‍યો છે. આ સંતાનોને એવો ડર છે કે જો એમના માતા પિતાને નાગરિકતા નહીં મળે તો અમેરિકા છોડીને ચાલ્‍યા જવું પડશે.

 

(4:12 pm IST)