Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નરેન્‍દ્રભાઇની અમેરિકાની મુલાકાત પહેલા અમેરિકન રક્ષામંત્રી ભારત આવશે

લોયડ એસ્‍ટિન રાજનાથસિંહ સહિતના નેતાઓને મળશે

નવી દિલ્‍હી તા. ૨૬ : નરેન્‍દ્રભાઇ અમેરિકાની મુલાકાત લે તે પહેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્‍ટિન ભારતની મુલાકાત લેશે.

ઓસ્‍ટિનની આ મુલાકાત જૂનના અંતમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા થશે.

ન્‍યૂઝ એજન્‍સી પીટીઆઈએ અમેરિકી રક્ષા મંત્રાલયને ટાંકીને જણાવ્‍યું છે કે ઓસ્‍ટિન ભારતની મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્‍ય મહત્‍વના નેતાઓને મળશે.

ભારત અને અમેરિકા વચ્‍ચે તેમની સેનાને આધુનિક બનાવવાની ભાગીદારીને ધ્‍યાનમાં રાખીને આ મુલાકાત ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ઓસ્‍ટિન ભારતની સાથે જાપાન, સિંગાપોર અને ફ્રાન્‍સ પણ જશે. પેન્‍ટાગોને કહ્યું છે કે, આ મુલાકાતથી ભારત અને યુએસ વચ્‍ચે ચાલી રહેલા સંરક્ષણ સહયોગથી ઇનોવેશન અને ડિફેન્‍સ ઈન્‍ડસ્‍ટ્રી વચ્‍ચેની તાલમેલ વધારે સારી રહેશે.

ઓસ્‍ટીન જાપાનથી તેની યાત્રા શરૂ કરશે. ઈન્‍ડો-પેસિફિક ક્ષેત્રની આ તેમની સાતમી મુલાકાત હશે. ટોકયોમાં તેઓ જાપાનના સંરક્ષણ પ્રધાન યાસુકાસુ હમાદા અને અન્‍ય વરિષ્ઠ નેતાઓને મળશે. આ સિવાય તે જાપાનમાં હાજર અમેરિકન સૈનિકોને પણ મળશે.

ઓસ્‍ટિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્‍યારે બંને દેશ પોતાની સેનાને આધુનિક બનાવવા માટે મોટા પગલા લઈ રહ્યા છે. આ વર્ષે જાપાન અને અમેરિકા વચ્‍ચેની ૨+૨ બેઠક બાદ બંને દેશો વચ્‍ચે સંરક્ષણ સહયોગ વધુ વધ્‍યો છે. ઈન્‍ડો-પેસિફિકમાં અમેરિકા અને ચીન વચ્‍ચે ટક્કર થઈ રહી છે

ઈન્‍ડો-પેસિફિકમાં પોતાનું વર્ચસ્‍વ વધારવાના ચીનના પ્રયાસોને લઈને અમેરિકા સાવધાન છે. આ ક્ષેત્રમાં ચીનના પડકારનો સામનો કરવા માટે જાપાન અમેરિકા અને ભારત માટે મહત્‍વપૂર્ણ સહયોગી છે. આ ક્ષેત્રમાં ચીનના કથિત આક્રમક વલણ સામે ભારત, અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા અને જાપાને ક્‍વાડની રચના કરી છે.

(4:00 pm IST)