Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મોદી સરકારે એરસ્‍ટ્રાઇકો કરી આતંકવાદની કમર તોડી

ચીન અને પાકિસ્‍તાનને કાબુમાં રાખવા માટે નિષ્‍ણાતોએ સુંદર વ્‍યૂહરચના ગોઠવી સારા પરિણામ મેળવ્‍યા

નવી દિલ્‍હીઃ આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ દેશની સત્તા સંભાળતા ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. ૨૦૧૪માં આ દિવસે લોકસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત બાદ  નરેન્‍દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.  મોદીની સરકારે પોતાના શાસનકાળ દરમિયાન ઘણા મોટા અને કઠિન નિર્ણયો લીધા છે. આ ક્રમમાં મોદી સરકારે દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે ઘણા કડક પગલાં પણ લીધા છે. આ નિર્ણયો સર્જિકલ સ્‍ટ્રાઈકથી લઈને એરસ્‍ટ્રાઈક સુધીના છે.

ઉરીમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલા બાદ કેન્‍દ્ર સરકારે નિયંત્રણ રેખાની બીજી બાજુના આતંકવાદી બેઝ કેમ્‍પને નિશાન બનાવીને સર્જિકલ સ્‍ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ ત્‍યાં જઈને આતંકવાદીઓના આખા બેઝને નષ્ટ કરી દીધા હતા. આ સ્‍ટ્રાઈક આતંકવાદીઓને ખતમ કરવા અને એવો મજબૂત સંદેશ આપવા માટે કરવામાં આવી હતી કે ભારત હવે આતંકવાદને જડબાતોડ જવાબ આપશે.

    બાલાકોટ એર સ્‍ટ્રાઈક - જમ્‍મુ-કાશ્‍મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના ૪૦ જવાનો શહીદ થયા હતા. જે બાદ કેન્‍દ્ર સરકારે ફરીથી આતંકવાદ સામે કડકાઈથી નિપટવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન વાયુસેનાએ પાકિસ્‍તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્‍મદના ટ્રેનિંગ કેમ્‍પ પર મોટો હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકીઓનો ખાત્‍મો કરવામાં આવ્‍યો હતો.

 આંતરરાષ્‍ટ્રીય આતંકવાદ વિરોધી સહકારને મજબૂત બનાવવું - મોદી સરકારે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે આતંકવાદ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું અને તેની સાથે ઘણા દેશોનું સમર્થન મેળવ્‍યું. ઈન્‍ટેલિજન્‍સ શેરિંગ, સંયુક્‍ત કવાયતો અને આતંકવાદ વિરોધી પ્રયાસોને વેગ આપવા માટે ભારતે આતંકવાદ સામેની લડાઈમાં અન્‍ય દેશો સાથે કરારો કર્યા.

(3:56 pm IST)