Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૧ જૂનથી ખિસ્સા ખંખેરી લેશે નવા ફેરફારો

આ તમામ ફેરફાર સામાન્ય નાગરિકના ખિસ્સા પર પ્રભાવ પાડશે

નવી દિલ્હી તા. ૨૬ : મે મહિનો પૂરો થવામાં થોડા જ દિવસો બાકી છે. જે બાદ જૂન મહિનાની શરૂઆત થશે. દેશમાં દરેક મહિને પહેલી તારીખે કેટલાક ફેરફાર થાય છે. આ ફેરફાર સીધા જ લોકોના ખિસ્સા પર અસર પાડે છે. તેવામાં આ ફેરફાર અંગે તમને પહેલાથી જ જાણકારી હોવી જોઈએ. જેનાથી તમે તૈયાર રહો અને અચાનક કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે નહીં. તો આવો જોઈએ આ વખતે ૧ જૂનથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે.

CNG-PNG ની કિંમતોમાં ફેરફાર

દરેક મહિનાની પહેલી તારીખે અથવા તો પહેલા સપ્તાહમાં સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફેરફાર થાય છે. પેટ્રોલિયમ કંપનીઓ ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. જૂન મહિનાની શરૂઆતમાં પણ CNG - PNGની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. જૂનમાં સીએનજી પીએનજીની કિંમતોમાં ફેરફારથી તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. એપ્રિલ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો હતો. કંપનીઓએ ૯૨ રૂપિયા સુધી એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા હતા. જયારે મે મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧ મેના રોજ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘર વપરાશના સિલિન્ડરના ભાવ આ વખતે ઘટશે?

જો દિલ્હીની વાત કરીએ તો ૧૯ કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હાલ ૧૮૫૬.૫૦ રૂપિયા છે. જે પહેલા ૨૦૨૮ રૂપિયા હતી. એટલે કે ૧૭૧.૮૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ઘરમાં ઉપયોગમાં આવતા સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.

મોંઘા થશે ઈલેકિટ્રક સ્કૂટર

ભારતમાં ઈલેકિટ્રક ટુ વ્હીલર વાહન ૧ જૂન ૨૦૨૩થી મોંઘા થવા જઈ રહ્યા છે. ૨૧ મેના દિવસે જાહેર કરવામાં આવેલ ગેજેટ અનુસાર ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા FAME-II અંતર્ગત મળતી સબસિડીમાં ઘટાડો કરીને ૧૦,૦૦૦ રુપિયા પ્રતિ વોટ કરી દેવામાં આવી છે. જે પહેલા ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ વોટ હતી. જેના કારણે મોટાભાગના ઈલેકિટ્રક વાહનો ૨૫,૦૦૦થી ૩૫,૦૦૦ સુધી મોંઘા થઈ શકે છે.

(10:51 am IST)