Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૨૦૦૦ની નોટ આપો અને ૨૧૦૦ની સામાન ખરીદો : દુકાનદાર લાવ્યાં નવો આઈડિયા

દિલ્હીમાં એક દુકાનદારે આ તકનો લાભ ઉઠાવીને પોતાનું વેચાણ વધારવા માટે એક એવો રસ્તો કાઢ્યો

નવી દિલ્હી તા. ૨૬ : મંગળવારથી ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ સ્પષ્ટ કહ્યું છે કે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે બેંકમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે. તેનો અર્થ એ નથી કે નોટો બંધ થઈ ગઈ છે.

જી હા, તમે ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૦૦૦ની નોટ વડે ખરીદી કરી શકો છો! અને હા, જો કોઈ વ્યકિત ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો. જો કે કેટલાક લોકો બે હજારની નોટ લેવાનું ટાળી રહ્યા છે ત્યારે દિલ્હીમાં એક દુકાનદારે આ તકનો લાભ ઉઠાવીને પોતાનું વેચાણ વધારવા માટે એક એવો રસ્તો કાઢ્યો જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો!

આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે એક દુકાન પર એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેના પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં બે હજારની નોટની તસવીર સાથે લખેલું છે - ૨૦૦૦ની નોટ આપો અને ૨૧૦૦ રૂપિયાનો સામાન મેળવો. સરદાર પ્યોર મીટ શોપ, જીટીબી નગર.

આ તસવીર ટ્વિટર યુઝર 'સુમિત અગ્રવાલ' દ્વારા ૨૨ મેના રોજ પોસ્ટ કરવામાં આવી હતી - જો તમને લાગે છે કે RBI સ્માર્ટ છે તો ફરીથી વિચાર કરો કારણ કે દિલ્હીવાસીઓ ખૂબ જ સ્માર્ટ છે. તમારું વેચાણ વધારવાની કેવી ઇનોવેટિવ રીત! આ સમાચાર લખાય છે ત્યાં સુધી ૧૬૦૦ થી વધુ લાઈકસ અને ૨૫૦ થી વધુ રીટ્વીટ મળી ચુકયા છે. સાથે જ ઘણા યુઝર્સે આના પર ફીડબેક પણ આપ્યા હતા.

જેમ એક યૂઝરે લખ્યું છે કે, આને કહેવાય આપદા માં પણ અવસર શોધવો. બીજાએ લખ્યું કે, વ્યવસાય કરવાની સાચી રીત. ત્રીજાએ લખ્યું કે, બ્લેકને વ્હાઇટ કરવાની સાચી રીત. એ જ રીતે, અન્ય યુઝર્સે પણ દુકાનદારના આઈડિયાની વખાણ કર્યા, તો કેટલાકે પૂછ્યું કે સામાન્ય માણસ પાસે ૨૦૦૦ની કેટલી નોટ છે? લગભગ ૨ વર્ષથી તેનો ચહેરો પણ જોયો નથી. સારૃં, આ વિશે તમારી પ્રતિક્રિયા શું છે? કમેન્ટ મને જણાવો.

 

(10:50 am IST)