Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે: કોંગ્રેસ વિપક્ષનો દરજ્જો ગુમાવશે : અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું -કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે:કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આસામના પ્રવાસે છે. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિતભાઈ  શાહે પોતાની રેલીમાં એવો પણ દાવો કર્યો છે કે આ વખતે કોંગ્રેસ તેની વર્તમાન સીટો કરતા ઓછા આંકડા સુધી પહોંચશે. શાહે અહીં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી જેમાં તેમણે 44,703 લોકોને સરકારી નોકરીની નિમણૂંક આપી છે

  પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ વિપક્ષી પાર્ટીનો દરજ્જો પણ ગુમાવશે .

   શાહે કહ્યું કે નકારાત્મક રાજનીતિને કારણે કોંગ્રેસ એવું બહાનું બનાવી રહી છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે અને તેનો બહિષ્કાર કરી રહી છે. તેમણે કહ્યું કે આવા ઉદાહરણો કોંગ્રેસ અને વિપક્ષ શાસિત રાજ્યોમાં સામે આવ્યા છે, જ્યા રાજ્યપાલો, સંબંધિત મુખ્યમંત્રીઓને બદલે, સોનિયા ગાંધી-રાહુલ ગાંધી જેવા કોંગ્રેસી નેતાઓએ નવી વિધાનસભાઓનું ઉદ્ઘાટન કર્યું છે.

(11:43 pm IST)