Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

૮૩ વિદેશી તબલિગી વિરુદ્ધ ૨૦ ચાર્જશીટ દાખલ કરાઈ

ભારતમાં કોરોનાનો ચેપ ફેલાવવાનો આરોપ : કુલ ૧૪ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ : મરકજ મેનેજમેન્ટની ભૂમિકા અંગે પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો

નવી દિલ્હી, તા. ૨૬ : રાજધાની દિલ્તહીમાં તબલિગી જમાતના મામલામાં દિલ્હી પોલીસે મંગળવારે ૨૦ ચાર્જશીટ દાખલ કરી છે. ૨૦ દેશોના ૮૩ વિદેશીઓ વિરુદ્ધ ૧૪ હજાર પાનાની ૨૦ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટના રોલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે તબલીગી જમાતના ચીફ મૌલાના સાદના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ તરફથી ૨૦ દેશોના ૮૩ વિદેશી જમાતીઓ વિરુદ્ધ ત્રણ અલગ-અલગ કલમોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તે તમામ લોકો પર ફોરેનર એક્ટ, અપેડેમિક ડિસીસ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમો લગાવવામાં આવી છે. સાકેત કોર્ટ ૧૨ જૂનના રોજ ચાર્જશીટ પરની માહિતી મેળવશે અને સુનાવણી કરશે.

        સાકેત કોર્ટમાં અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ચીન, યુએસએ, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, ઈજિપ્ત, રશિયા, અલ્જેરિયા, બેલ્જિયમ, સાઉદી અરેબિયા, જોર્ડન, ફ્રાંસ, કઝાકિસ્તાન, મોરોક્કો, ટ્યુનિશિયા, યુનાઇટેડ કિંગડમ, ફીજી, સુડાન તેમજ ફિલિપાઈન્સના નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અલગ-અલગ દેશો માટે અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટના કારણે હવે મૌલાના સાદની મુસીબતો પણ વધી જશે કારણ કે, જે-જે વિદેશી જમાતિઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે તમામના વીઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતના મરકજનું સરનામું જોવા મળી રહ્યું છે. જેનો અર્થ થાય છે કે તે તમામ લોકો મરકજના કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા.

(8:03 pm IST)