Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના વાઇરસથી સૌથી વધુ જોખમ કયાં, ઘરમાં, બહાર કે ઓફિસમાં?

નવી દિલ્હી, તા.૨૬: બસની લાઇનમાં ઊભેલા કોઈ શખ્સે છીંક ખાધી તો મને કેટલું જોખમ હોઈ શકે? શું મારે રેસ્ટોરાં જવું જોઈએ? મારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?

જે રીતે વિશ્વ લોકડાઉનમાંથી ધીમી-ધીમે બહાર આવી રહ્યું છે અને આર્થિક હિલચાલ પણ શરૂ થઈ રહી છે, ત્યારે કોરોના વાઇરસનો ચેપ લાગવાનું અને પ્રસરવાનું જોખમ પણ વધી ગયું છે.

આ સાથે જ વાઇરસના ચેપના ફેલાવાની બીજી લહેર આવે એવું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

ઇમ્યુનોલોજિસ્ટ અને બાયોલોજીના એસોસિએટ પ્રોફેસર એરિન બ્રોમેઝ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસાચ્યુસ્ટેસમાં સંક્રમિત બીમારીઓ વિશે ભણાવે છે. તેઓ કોરાના વાઇરસનો પણ ગહન અભ્યાસ કરી રહ્યા છે.

તેમણે કોરોના વાઇરસના જોખમ પર એક બ્લોગ લખ્યો છે, જેને અંદાજે ૧.૬ કરોડ વખત વાંચવામાં આવ્યો છે.

સામાન્ય જિંદગીમાં પાછા ફરતી વખતે તમે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો એ અંગે તેમણે સલાહ આપી છે.

લોકો કયાં બીમાર થાય છે? ડો. બ્રોમેઝ કહે છે કે મહત્તમ લોકો પોતાના ઘરમાં પરિવારના કોઈ સભ્ય દ્વારા જ સંક્રમિત થાય છે.

પરંતુ ઘરની બહાર સુરક્ષિત કેવી રીતે રહેશો? શું આપણે ગાર્ડનમાં પગપાળા ચાલવા નીકળીએ ત્યારે પણ જોખમ હેઠળ હોઈએ છીએ? શું ફેસ-માસ્ક પહેર્યા સિવાયની કોઈ વ્યકિત અજાણતાં જ બીજી કોઈ વ્યકિતને સંક્રમિત કરી શકે છે?

પ્રોફેસર કહે છે કે કદાચ એવું ના બને.

તેમણે બીબીસીને જણાવ્યું કે, જયારે તમે બહાર નીકળો છો ત્યારે ખુલ્લા વાતાવરણમાં એવી ક્ષમતા હોય છે જે શ્વાસ છોડતાંની જ વાઇરસ ઝડપથી નબળો પડી જાય છે.

એવું એટલા માટે બને છે કે કોઈ વાઇરસ તમને સંક્રમિત કરે તેના માટે જેટલો સમય જોઈએ તેટલો સમય તમે ખુલ્લા વાતાવરણમાં નથી રહેતા, કેમ કે વાઇરસ ઝડપથી નિષ્ક્રિય પણ થઈ જતો હોય છે.

તેમણે પોતાની બ્લોગપોસ્ટમાં લખ્યું, 'ચેપ લાગે એ માટે વાઇરસના સંક્રામક વિસ્તારમાં આવવું પડે. મર્સ અને સાર્સના સંક્રામક ડોઝના અધ્યયનના આધારે કેટલાંક અનુમાનથી જાણી શકાય છે કે સંક્રમણને ટકવા માટે ઓછામાં ઓછા ૧૦૦૦ સાર્સ- કોવ૨ વાયરલ પાર્ટિકલ્સની જરૂર હોય છે.

આ આંકડો ચર્ચાનો વિષય છે અને પ્રયોગના માધ્યમથી તેને અધિકૃત રીતે પ્રમાણિત કરવો જરૂરી છે.

તેમ છતાં તે એક મહત્ત્વનો સંદર્ભ જણાવે છે જે દર્શાવે છે કે સંક્રમણને કઈ રીતે રોકી શકાય છે.

એટલે એનો અર્થ એ થયો કે આપણે ઓછા સમય માટે સંક્રમિત લોકોના સંપર્કમાં આવીએ તો, ઉદાહરણ તરીકે કોઇ જાઙ્ખગિંગ કરનારી વ્યકિત અજાણતાં બાજુમાંથી પસાર થાય તો, પણ ચેપ લાગવાની શકયતા ઓછી રહે છે.

આવી પરિસ્થિતિમાં આપણે વધુ ચિંતિત થવાની જરૂર છે?

જે લોકોમાં લક્ષણ દેખાતાં હોય તેમાંનાથી ચોક્ક્સ રીતે તેમની ઉધરસ ખાવાથી કે પછી છીંકવાથી બીમારી ફેલાય છે, પણ તેનો દર અલગઅલગ છે.

એક વાર ઉધરસ ખાવાથી અંદાજે ૮૦ કિલોમિટર પ્રતિકલાકની ઝડપે ૩૦૦૦ છાંટા ઊડે છે.

ડો. બ્રોમેઝના જણાવ્યા અનુસાર, મહત્તમ પ્રમાણમાં છાંટા મોટા અને ભારે હોય છે એટલે તેનો અર્થ એ થયો કે તે જલદી જ સપાટી પર પડી જાય છે. તેમ છતાં કેટલાક છાંટા હવામાં રહે છે, તો કેટલાક રૂમમાં પણ ઘૂસી શકે છે.

જો તમે લિફ્ટમાં ફસાઈ ગયા હો અને ત્યાં કોઈ વ્યકિત શખ્સ ઉધરસ ખાવાને બદલે છીંકી રહી છે તો તમારી મુશ્કેલી દસ ગણી વધી જાય છે.

એક છીંકમાંથી અંદાજે ૩૦,૦૦૦ છાંટા ઊડે છે. તેમાંથી નાના છાંટા ઘણા દૂર સુધી જાય છે. તેમની સ્પીડ ૩૨૦ કિમી પ્રતિ કલાકની હોય છે.

તેમણે લખ્યું છે કે જો કોઈ વ્યકિત સંક્રમિત હોય તો તેની ઉધરસ અથવા છીંકમાં વાઇરસના ૨૦ કરોડ પાર્ટિકલ્સ હોઈ શકે છે.

એવામાં તે તમારી સમક્ષ બેસીને વાત કરે અને ઉધરસ કે છીંક ખાય તો તમારામાં ૧૦૦૦ વાઇરસ પાર્ટિકલ આરામથી આવી જશે અને તમે સંક્રમિત થઈ જશો.

લક્ષણ વગરના સ્પ્રેડર્સ

આપણે જાણીએ છીએ કે લોકોમાં લક્ષણ નજર આવે તેના પાંચ દિવસ પહેલાંથી તેઓ સંક્રમિત હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે લક્ષણ નજર જ નથી આવતાં.

એટલે સુધી કે શ્વાસથી પણ વાઇરસના અંશ હવામાં આવી જાય છે, પરંતુ કેટલા પ્રમાણમાં?

ડો. બ્રોમેઝના મત પ્રમાણે, 'એક શ્વાસમાંથી ૫૦થી ૫૦,૦૦૦ છાંટા નીકળે છે. તેમાંથી મહત્તમ છાંટાની ગતિ ધીમી હોય છે એટલે તે સપાટી પર પડી જાય છે.

જયારે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે તેનાથી પણ ઓછા છાંટા નીકળે છે.

મહત્ત્વની વાત એ છે કે શ્વાસ જોરથી બહાર નથી નીકળતો એટલે નીચલા શ્વસનતંત્રથી વાઇરસ પાર્ટિકલ બહાર નથી નીકળતાં.

આ બાબત એટલા માટે મહત્ત્વની કે શ્વસનતંત્રના આ હિસ્સામાં મળનારા ટિસ્યૂમાં જ કોરોના વાઇરસ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

આપણને નથી ખબર કે શ્વાસ સાથે સાર્સ કોવ-૨ના કેટલા વાઇરલ પાર્ટિકલ બહાર આવે છે. પણ ડો. બ્રોમેઝ એક અધ્યયન વિશે જણાવે છે કે ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત કોઈ દરદી એક મિનિટના શ્વાસમાં ૩થી ૨૦ વાઇરસ આરએનએ કોપી બહાર કાઢી શકે છે.

ડો. બ્રોમેઝના પ્રમાણે, બોલવાને લીધે રેસ્પરેટરી છાંટા ૧૦ ગણા વધારે નીકળીને ૨૦૦ કોપી વાઇરસ પ્રતિમિનિટ સુધી પહોંચી જાય છે.

ગાવાથી અને બૂમો પાડવાથી છાંટાનું હવામાં પ્રમાણ વધી જાય છે. આ છાંટા એવી જગ્યાએ પણ હોય છે જયાંથી ટિસ્યૂના સંક્રમિત થવાનો ભય સૌથી વધુ હોય છે.

કેવા પ્રકારનો માહોલ જોખમ ભર્યો છે?

ચોક્ક્સ એવો વ્યવસાય જેમાં સીધી રીતે સંક્રમિતોના સંપર્કમાં આવવાનું બને છે. તેમને સૌથી પહેલા સંક્રમણનો ભય રહેલો છે.

ડો. બ્રોમેઝ કહે છે કે ઓપન પ્લાન ઓફિસમાં થનારા કાર્યક્રમો, સ્પોર્ટસ અને સામાજિક મેળાવડા જોખમભરેલાં છે. આ સમયે લોકોનું વાઇરસના સંપર્કમાં આવવાનું જોખમ વધુ હોય છે.

તેઓ કહે છે કે કોલ-સેન્ટર જેવી જગ્યાઓ પર જો લોકો ૫૦ ફૂટના અંતરે હોય અને વાઇરસનો નાનો ડોઝ લાંબા સમય સુધી જળવાઈ રહે તો તે સંક્રમિત કરવા માટે પર્યાપ્ત હશે.

જેમ-જેમ આપણે કામ પર પાછા વળી રહ્યા છે તેમ-તેમ કેટલાક વ્યવસાયો માટે આ ચિંતાની વાત છે.

હવાની અવરજવરની યોગ્ય વ્યવસ્થા ન હોય તેવી ઓપન પ્લાન આઙ્ખફિસ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે.

ડેન્ટિસ્ટ સાથે પણ આ જ લાગુ પડે છે. ડેન્ટિસ્ટને ત્યાં એકસાથે વધુ લોકો નથી હોતા, પણ ત્યાં જોખમનું પ્રમાણ વધુ છે.

તેઓ શિક્ષણના કામ સાથે જોડાયેલા લોકો માટે પણ વધુ જોખમ હોવાનું જણાવે છે.

'ઉંમરવાન શિક્ષકો અને પ્રોફેસરો સાથે યુવા વિદ્યાર્થીઓ પણ એક જ રૂમમાં મોટી સંખ્યામાં હોય છે. તેના પર વિચારવિર્મશ કરવો જોઈએ કે તેમને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય.'

ઇનડોર અને આઉટડોર

ડો. બ્રોમેઝ કહે છે કે ખુલ્લા વાતાવરણમાં સંક્રમણના ઘણા ઓછા કેસ જોવા મળ્યા છે.

હવા અને જગ્યા વાઇરલના લોડને ઘટાડી દે છે. સાથે તડકો, ગરમી, આદ્રતા પણ વાઇરસને વધુ સમય જીવંત નથી રહેવા દેતા.

સામાજિક અંતરથી ઓછામાં ઓછું જોખમ હોય છે.

પણ કેટલીક ખાલી જગ્યાઓએ હળવું-મળવું ઘણું જોખમભર્યું હોઈ શકે છે.

લોકોની વાત કરવાની, ગાવાની અથવા બરાડા પાડવાની જગ્યાએ, લોકોથી ઉભરાતા કાર્યક્રમમાં વધુ જોખમ રહેલું છે. સાથે જ બંધ જગ્યાઓએ અંતર જાળવી રાખવાના પ્રયાસો પણ સમય સાથે નબળા પડતા જાય છે.

તેમ છતાં કેટલાક ઇનડોર સંપર્ક પણ જોખમભરેલા હોઈ શકે છે.

સીમિત પ્રમાણમાં હવાની અવરજવર અને રિસાઇકલ્ડ હવા પણ જોખમ ઊભું કરી શકે છે.

પણ શોપિંગ ઓછી જોખમભરેલી હોઈ શકે છે. ખાસ કરીને સિંગલ માહોલમાં અપેક્ષિત કરતાં ઓછો સમય વિતાવો છો તો.

જોખમનું આકલન

ડો. બ્રોમેઝ કહે છે કે કોરોનાના પ્રતિબંધ ઓછા થવાની સાથે આપણે જોખમની દૃષ્ટિએ આપણી ગતિવિધિઓનું ગંભીરતાથી આકલન કરવું જોઈએ.

બંધ જગ્યાઓ પર હવાની અવરજવર માટે વિચાર કરવો જોઈએ. એ વિચારવું જોઈએ કે ત્યાં એક જગ્યાએ એક સમયે કેટલા લોકો હાજર રહેશે અને તમે કેટલો સમય સાથે વિતાવશો.

તેઓ કહે છે કે 'જો તમે હવાની અવરજવરવાળી જગ્યામાં ઓછા લોકો સાથે બેસો તો તમારા માટે જોખમ ઓછું છે. કોઈ બંધિયાર જગ્યામાં છો તો ગંભીરતા સાથે જોખમનો વિચાર કરવો જોઈએ. અને જો એવા વ્યવસાયમાં હોવ કે જયાં સામસામે બેસીને વાત કરવી પડે કે બૂમ પાડવી પડે તો ફરી જોખમનું આકલન કરવું જોઈએ.'

ઉદાહરણ તરીકે શોપિંગ મોલમાં કોઈ ઓછી ભીડવાળા સ્ટોરમાં છો તો અને ત્યાં હવાની અવરજવર સારી છે તો જોખમ ઓછું છે.

ખુલ્લી જગ્યામાં સંક્રમણનું જોખમ ઓછું હોય છે, કેમ કે છાંટા જલદી સુકાઈ જતાં હોય છે.

(3:24 pm IST)