Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પહેલીવાર આટલો લાંબો સમય બંધ રહ્યા શ્રીનાથજીના દર્શન

૧૯૧૮માં સ્પેનિશફલુ વખતે ૧પ દિવસ બંધ હતું મંદિરઃ ભકતો દર્શન માટે ઉતાવળા થવા લાગ્યા છે

નાથદ્વારા તા. ર૬ :.. પુષ્ટિમાર્ગીય વલ્લભ સંપ્રદાયની મુખ્ય પીઠ નાથદ્વારામાં બિરાજીત ભગવાન શ્રીનાથજીના અહીં પધાર્યા પછી આ પહેલો અવસર છે કે ઠાકોરજીના દર્શન તેમના ભકતો ઘણા દિવસોથી નથી કરી શકતા એટલે હવે શ્રધ્ધાળુઓ ફોન કરીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શ્રીનાથજી બાવાના દર્શન હવે કયારે ખુલશે. તો મંદિર મંડળ પ્રશાસને આગામી ૩૧ મે પછી છૂટ મળવાની શકયતાએ ભકતોને દર્શન કરાવવા માટે વ્યવસ્થા અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે.આરાધ્ય પ્રભુ શ્રીનાથજીના દર્શન લોકડાઉનના કારણે બે મહિનાથી પણ વધારે સમયથી બંધ છે.

સુત્રો અનુસાર, ૩૧ મે પછી જો દર્શનની છૂટ મળી જશે તો ભકતોને ઓન લાઇન રજીસ્ટ્રેશન અનુસાર દર્શન કરાવવા કે બીજી કોઇ રીત અપનાવવી જેમાં સોશ્યલ ડીસ્ટન્સનું સંપૂર્ણ પાલન થઇ શકે તે બાબતે વિચારણા શરૂ થઇ ગઇ છે. આના માટે આધાર કાર્ડ અથવા બીજા આઇડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવાનું, એક વાર દર્શન કરનાર ભકતનો બીજી વાર નંબર કયારે આવશે, સ્થાનિક લોકો માટ દર્શનની વ્યવસ્થા બાબતે પણ વિચાર થઇ રહ્યો છે. તેમાં ખાસ તો મંદિરમાં એક સાથે કેટલા ભકતોને પ્રવેશ આપવો જેથી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થઇ શકે ઉપરાંત બહાર નિકળવા માટેની વ્યવસ્થા પણ વિચારાઇ રહી છે.

માહિતી અનુસાર ૧૯૧૮ માં જયારે સ્પેનીશ ફલુ રોગ ફેલાયો હતો ત્યારે તત્કાલીન તિલકાયત ગોવર્ધનલાલ મહારાજના આદેશાનુસાર ૧પ દિવસ સુધી શ્રીજી બાવાના દર્શન બંધ રખાયા હતાં. ત્યાર પછી આ પહેલો મોકો છે કે ર૦ માર્ચથી સતત દર્શન બંધ છે, જેને બે મહિનાથી વધારે સમય વિતી ચૂકયો છે.

(2:44 pm IST)