Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચા ઉદ્યોગને ૨૦૦૦ કરોડની ખોટ જવાની શકયતા

૨૦૨૦માં ચાનું ઉત્પાદન ૮ કરોડ કિલો ઘટશેઃ ઉત્પાદન ખર્ચમાં કિલોદીઠ રૂ.૬૦-૭૦નો વધારો

કોલકાતા, તા.૨૬:  કોવિડ-૧૯ના સંક્રમણને લીધે દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે ચાના બગીચામાં ઉત્પાદન કાર્ય ખોરંભે ચઢી ગયું હતું. ઉદ્યોગના અનુસાર લોકડાઉનને કારણે દેશમાં ચાના ઉત્પાદનમાં ૮૦ મિલિયન (૮૦૦ કિલો)નો દ્યટાડો થવાને કારણે એના પડતર ખર્ચમાં રૂ. ૬૦થી રૂ.૭૦નો વધારો થયો છે. આમ એક બાજુ પડતર ખર્ચમાં વધારો થયો છે અને બીજી બાજુ ચાના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. 

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશન ના  ચેરમેન વીરેન શાહે કહ્યું છે કે દેશમાં ચાનું વાર્ષિક ઉત્પાદન આશરે ૧૩૦૦ મિલિયન કિલોગ્રામ (૧૩૦ કરોડ કિલોગ્રામ) છે. લોકડાઉનને પગલે ચા બગીચામાં ઓછા મજૂરો કાર્યરત રહ્યા હતા, જેનાથી માર્ચ, એપ્રિલ અને મેમાં ઉત્પાદનમાં ભારે દ્યટાડો થયો હતો. આને લીધે ૨૦૨૦ વર્ષમાં ચાના ઉત્પાદનમાં ૮૦ મિલિયન (૮૦૦ કિલો)નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી ઉદ્યોગને આશરે રૂ. ૨૦૦૦ કરોડનું નુકસાન થશે.  ફેડરેશને દેશમાં ચાનું ઉત્પાદન, પુરવઠો અને ચાની માગમાં લોકડાઉનની પ્રતિકૂળ અસરોનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું છે.

દેશમાં એક વર્ષમાં ચાનું વેચાણ આશરે ૧૦૮ કરોડ કિલોગ્રામ છે, એટલે કે ચાનું માસિક વેચાણ ૯૦૦ લાખ કિલોગ્રામ છે. ચાના સ્ટોલ, રેસ્ટોરાં, કેફે, હોટલ અને ઉદ્યોગોમાં ચાનું વેચાણ આશરે ૪૦ ટકા છે, એટલે કે ૩૬૦ લાખ કિલોગ્રામ ચા પીવાય છે. લોકડાઉનને કારણે ચાના વેચાણમાં ૭૦૦ લાખ કિલોગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન દ્યરેલુ વેચાણ વધ્યું હશે, પરંતુ બહારના વેચાણમાં ઘટાડાની ભરપાઈ માટે આ પર્યાપ્ત નથી.

ફેડરેશને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને કારણે ચાની કિંમતો પાછલા વર્ષની તુલનાએ વધે એવી શકયતા છે, પણ ફાર્મ ગેટ કિંમત (ઉત્પાદનની પડતર કિંમત)માં પ્રતિ કિલો રૂ.૬૦-૭૦નો સરેરાશ વધારો વાસ્તવિક માગ અને પુરવઠાને પ્રતિબિંબિત નથી કરતો.

ફેડરેશને કહ્યું હતું કે ચાના ઉત્પાદનનો પડતર ખર્ચ વધ્યો છે, પણ દેશમાં લોકડાઉનને પગલે ચાના વેચાણમાં ઘટાડો થયો છે. ચાના બગીચામાં મજૂરોની ખેંચ સર્જાતાં ચાની પડતર કિંમતમાં વધારો થયો છે., જેથી ચાના પેકર્સ અને રિટેલ વિક્રેતાઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શાહે કહ્યું છે કે દેશમાં ચા રાષ્ટ્રીય પીણું છે, પણ લોકોની આર્થિક મુસીબતોમાં વધારો થયા ચાના પડતર ખર્ચમાં થયેલો વધારો ભરપાઈ કરવો મુશ્કેલ છે, કેમ કે જો કિંમતો વધશે તો માગમાં દ્યટાડો થવાની શકયતા છે.

(2:47 pm IST)