Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના ઇફેકટ : સૌપ્રથમ વાર ગેસ સિલિન્ડર પરની સબસિડી શૂન્ય થઇ

સરકારને પ્રતિ સિલિન્ડર ૧૨૦ રૂપિયાની કમાણી

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં કોરોના સંકટની વચ્ચે લોકો માટે એલપીજી સિલીન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થવાને કારણે સરકારને એલપીજી બહુ સસ્તી કિંમતે મળી રહ્યું છે. આને કારણે સરકારને હવે સ્થાનિક બજારમાં ગ્રાહકો પર અપાતી સબસીડીમાં કોઈ ખર્ચ કરવો નથી પડતો. આનો સીધો મતલબ એ થયો કે હવે એલપીજી સિલિન્ડર પર સબસીડી શૂન્ય પર પહોંચી ગઈ છે.

હવે જયારે સબસીડી ઝીરો થઈ છે, તેમ છતાં સરકારે પાછલા કેટલાક મહિનાઓથી સ્થાનિક ગ્રાહકો માટે ગેસ સબસીડીવાળા સિલિન્ડરની કિંમત વધારી છે. આવામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસ સસ્તો મળતાં અને સ્થાનિકમાં ભાવ ન ઘટાડવાને પરિણામે સબસીડી લગભગ શૂન્યના બરાબર થઈ ગઈ છે. ઉલટાનું હવે સરકારને પ્રતિ સિલિન્ડરે ૧૨૦ રૂપિયાની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી, ૨૦૧૫થી ડિરેકટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમની શરૂઆત કરી હતી. જેના હેઠળ ઉપભોકતાને એલપીજી સિલિન્ડરોની પૂરી કિંમત ચૂકવવાની અને સરકાર તેમની સબસીડી સીધા તેના ખાતાઓમાં જમા કરતી હતી.

આ પહેલાં ઓઈલ કંપનીઓ ગ્રાહકોને પડતરથી ઓછી કિંમતે એલપીજી સિલીન્ડર વેચતી હતી, જેથી સરકાર દ્વારા તેમને નુકશાન ભરપાઈ કરી આપવામાં આવતું હતું, પણ સરકારે ઓકટોબર, ૨૦૧૭ અને જુલાઈ, ૨૦૧૯ દરમ્યાન ગેસ સબસીડીવાળાં સિલિન્ડરોની કિંમત સ્થિર કરી દીધી હતી.

(11:16 am IST)