Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

WHOએ જાહેર કરી ચેતવણીઃ જે દેશોમાં કેસ ઘટયા ત્યાં ફરીથી ત્રાટકી શકે છે કોરોના

કેટલાક દેશ એવા છે જયાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને 'સેકન્ડ પીક'આવવાની આશંકાઃ WHO

જિનેવા, તા.૨૬: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એકવાર સોમવારે કોરોના સંક્રમણ સંબંધિત નવી ચેતવણી જાહેર કરી છે. WHOએ કહ્યું છે કે ચીન, યૂરોપ  અને હવે અમેરિકામાં સંક્રમણના મામલામાં દ્યટાડો નોંધાયો છે પરંતુ સતત દુનિયાભરખના વૈજ્ઞાનિક 'સેકન્ડ વેવ'નો ખતરો જણાવી રહ્યા છે. WHO મુજબ જો દુનિયાને 'સેકન્ડ વેવ'નો સામનો ન પણ કરવો પડે પણ કેટલાક દેશ એવા છે જયાં ફરીથી સંક્રમણના કેસ વધશે અને 'સેકન્ડ પીક' આવવાની આશંકા છે.

WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડાયરેકટર ડોકટર રેયાને જણાવ્યું કે, હલા દુનિયા કોરોના સંક્રમણના ફર્સ્ટ વેવના એકદમ મધ્યમાં છે અને અહીંથી દુનિયાના મોટાભાગના વિસ્તારમાં તેના કેસોમાં ઘટાડો આવવા લાગશે. જોકે તેઓએ કહ્યું કે હજુ થોડા દિવસો સુધી કેસોમાં વધારો થતો રહેશે અને એશિયા-આફ્રિકામાં કેસ વધુ રહેશે.

નોંધનીય છે કે, કોરોના સંક્રમણના મામલામાં એક એવું સ્તર આવે છે જયાં સૌથી વધુ નવા કેસ અને મોતના આંકડા નોંધાય છે, તેને જ પીક કહેવામાં આવે છે. હવે WHOએ ચેતવણી આપી છે કે ફર્સ્ટ વેવની અંદર જ સેકન્ડ પીક આવવાની આશંકા બનેલી છે. રેયાને જણાવ્યું કે તે સમય કયારે પણ આવી શકે છે જયારે ફરીથી દુનિયાભરમાં કેસ વધવા લાગે અને તેમાં કેટલાક એવા દેશ સામેલ હશે જયાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે હજુ સુધી સેકન્ડ વેવને લઈ આશંકાઓ ઓછી છે પરંતુ કેસ વધશે તેનો ઈશારો ઘણે અંશે મળી રહ્યો છે.

ઠંડીમાં વધશે પ્રકોપરેયાને કહ્યું કે, વરસાદ અને ઠંડી સામાન્ય રીતે સંક્રમણને વધુ અનુકૂળ હોય છે, એવામાં આ દરમિયાન કોરોના સંક્રમણ માટે પણ ફરીથી નવી જમીન તૈયાર થઈ જશે. WHOના ઇન્ફેકિશય ડિસીઝ એપિડેમોલોજિસ્ટ મારિયા વૈન કેર્ખોવે જણાવ્યું કે તમામ દેશોને હાલમાં હાઈ એલર્ટ પર જ રહેવાની જરૂર છે. તમામને રેપિડ ટેસ્ટ સિસ્ટમ તૈયાર કરવી જોઈએ. આ ચેતવણીએ દેશો માટે પણ છે જે માની રહ્યા છે કે તેઓએ સંક્રમણ પર કાબૂ મેળવી લીધો છે. તેઓએ કહ્યું કે કોવિડ-૧૯ એક એવો વાયરસ છે જે કયારે પણ તીવ્ર ઝડપથી વાપસી કરવામાં સક્ષમ છે અને ઠંડીમાં તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

(11:16 am IST)