Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મનરેગા યોજના

ગુજરાતમાં આ યોજનામાં કામ કરતાં લોકોની સંખ્યા ૨૦૧૯માં ૩ લાખ હતીઃ હવે થઇ ૭ લાખ

વતન પાછા ફરેલા શ્રમિકો માટે આ યોજના લાઇફ લાઇન સાબિત થઇ

નવી દિલ્હી, તા.૨૬: કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી હવે શહેરોમાંથી ગામડાઓમાં રિવર્સ માઈગ્રેશન શરૂ થયું છે. પરિણામે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોઈમેન્ટ ગેરેન્ટી એકટ (MNREGA) અંતર્ગત કામ શોધતા લોકોમાં અચાનક ઉછાળો આવ્યો છે. ટોચના અધિકારીએ જણાવ્યું કે, આ સરકારી સ્કીમમાં કામ શોધતા લોકોની સંખ્યા મે ૨૦૧૯માં ત્રણ લાખ હતી, જે મે ૨૦૨૦માં ડબલ કરતા પણ વધીને સાત લાખ થઈ ગઈ છે.

અધિકારીએ જણાવ્યું કે, તેઓ આગામી બે અઠવાડિયામાં MNREGA હેઠળ કામ શોધતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાનું અનુમાન લગાવી રહ્યા છે. કોરોનાની મહામારીનો ડર અને લોકડાઉનના કારણે નોકરીની ઓછી તકોથી લાખોની સંખ્યામાં લોકો ગામડાઓમાં પાછા ફરી રહ્યા છે. રાજય ગ્રામ વિકાસ વિભાગના સીનિયર અધિકારીએ જણાવ્યું, અમે MNREGA અંતર્ગત નોકરી શોધનારીઓની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચશે તેવો અંદાજ લગાવી રહ્યા છીએ.

અધિકારીએ જણાવ્યું, ૨૦ મે ૨૦૧૯ સુધી ગ્રામિણ સ્તરે જુદા જુદા મજૂરીકામ સાથે ૩.૬૫ લાખ શ્રમિકો જોડાયા હતા. હવે આ આંકડો અચાનક વધતા ૭.૧૮ લાખ લોકો સુધી પહોંચી ગયો છે. જેમણે MNREGA પ્રોજેકટ હેઠળ કામ લેવા માટે અરજી કરી છે. સરકારના લેટેસ્ટ આંકડા મુજબ આ વર્ષે ૧.૧૪ લાખ શ્રમિકોએ MNREGA પ્રોજેકટ અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં કામ શરૂ કરી દીધું છે. જયારે મે ૨૦૧૯માં આ આંકડો ૨૧,૭૨૭ હતો.

CMO સચિવ અશ્વિની કુમારે જણાવ્યું, મુખ્યમંત્રીએ જિલ્લાઓને આદેશ આપ્યો છે કે MNREGA અંતર્ગત અરજી કરનારા તમામ લોકોને કામ મળવું જોઈએ. અત્યાર સુધી ૩૩ જિલ્લાઓમાં આ સ્કીમ અંતર્ગત ૬૫૯૨ ગ્રામ પંચાયતોમાં કામ શરૂ થઈ ચૂકયું છે.

આદિવાસી પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કન્સ્ટ્રકશન અને એગ્રીકલ્ચર સેકટરમાં મજૂરો આવતા હોય છે. જેમાં પણ હવે સૌથી મોટું રિવર્સ માઈગ્રેશન જોવા મળી રહ્યું છે.આવી જ રીતે ભાવનગરથી હિરા દ્યસવા માટે સુરત અને અમદાવાદ આવેલા કારીગરો પાછા વતન ગયા છે અને તેઓ પણ MNREGA અંતર્ગત કામ માટે અરજી કરી રહ્યા છે.

રાજયના ગ્રામિણ વિકાસ વિભાગના સીનિયર અધિકારીએ કહ્યું, સામાન્ય રીતે MNREGA અંતર્ગત જોબ કાર્ડના ચોથા ભાગના કાર્ડ ભરાતા હોય છે પરંતુ કોરોનાની મહામારીથી મોટી સંખ્યામાં લોકો ગામડાઓમાં પાછા આવી રહ્યા છે અને કામ શોધી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સરકારે આંતર-જિલ્લામાં ટ્રાવેલની મંજૂરી આપી હોવાથી શહેરોમાંથી ગામડાઓમાં માઈગ્રેશન વધશે. અમે MNREGAમાં કામ માટે અરજી કરનારા લોકોની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચશે તેવું અનુમાન લગાવી રહ્યા છીએ. આ સમગ્ર સ્કીમ GOI અને રાજય સરકાર દ્વારા ફંડ કરાયેલી છે અને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડના કામકાજ પૂરા થઈ ચૂકયા છે.

ઈકોનોમિકસ્ટ વાય.કે અલાદ્યએ કહ્યું, કોવિડ-૧૯ની મહામારીના કારણે ગામડાઓમાં પાછા જવા મજબૂર બનેલા લોકો માટે MNREGA લાઈફલાઈન સાબિત થશે અને સરકારે તેમાં ફંડ વધારવું જોઈએ. જેથી ગરીબ લોકોને પણ કામ મળી રહે અને તેમની થાળીમાં ભોજન આવી શકે.

(9:45 am IST)