Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું જંગી રોકાણ કરાશે

બુલેટ ટ્રેનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તૈયારી : દેશમાં બુલેટ ટ્રેનથી લઇને સાગરમાલા માટેની ફાળવણી વધારવામાં આવશે : રેલવે, માર્ગો, બંદરને વધારે મહત્વ

નવી દિલ્હી, તા. ૨૬  : પ્રચંડ બહુમતિ સાથે કેન્દ્રમાં સત્તામાં વાપસી કરનાર મોદી સરકાર પરિવહનના ક્ષેત્રમાં આશરે ૩૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે. બુલેટ ટ્રેનથી લઇને સાગરમાલા માટે ફાળવણી કરવામાં આવશે. આ રકમ અર્થવ્યવસ્થાને ગતિ આપવા તથા રોજગારને વધારવા માટે મૂળભૂત માળખાકીય ક્ષેત્રમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાના રોકાણનો એક હિસ્સો છે. ચૂંટણી ઘોષણાપત્ર જારી કરીને ભાજપ દ્વારા થોડાક સમય પહેલા જ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરિવહનના ક્ષેત્રને થતી ફાળવણીની રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સૌથી વધારે મૂડીરોકાણ રેલવે, નદીઓની આજુબાજુના વિકાસ તથા રાજમાર્ગોના વિસ્તાર ઉપર ખર્ચ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રના આધુનિકીકરણ માટે નવ લાખ કરોડ રૂપિયાની જરૂર છે તે પણ યોજનાના એક હિસ્સા તરીકે છે. બુલેટ ટ્રેન તથા ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર માટે નવા કોરિડોરના નિર્માણમાં ૧૦ લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ રહેલો છે. આગામી ત્રણ વર્ષમાં બંદર ક્ષેત્રમાં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી શકે છે જેમાં મોટી રકમ સાગરમાલા યોજનામાં લગાવવામાં આવશે. ઓછા મૂડીરોકાણને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ક્ષેત્રવાર ફાળવણીમાં વધારો કરવામાં આવનાર છે. મૂડી ખર્ચ અંદાજમાં બજેટ ફાળવણી ઉપરાંત વાયવીલીટી ગેપ ફંડિંગ તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા મૂડીરોકાણ મારફતે સમર્થનને પણ સામેલ કરવાની વાત રહેલી છે. પરિવહનના ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. બુલેટ ટ્રેનને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે વહેલીતકે શરૂ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. આના માટે તમામ પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી રહી છે. દેશમાં રોકાણની ગતિને ઝડપી કરાશે.

(7:44 pm IST)