Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

આઈએસના ૧૫ ત્રાસવાદી નૌકામાં દેખાતા હાઈએલર્ટ

કેરળના દરિયાકાંઠે હાઈએલર્ટની જાહેરાત : લક્ષ્યદ્વીપના કિનારે, શ્રીલંકા સરહદ ઉપર દરિયાઇ જહાજો અને વિમાનો તૈનાત થયા : પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર

થિરુવંતનપુરમ, તા. ૨૬ : ઇસ્લામિક સ્ટેટના ૧૫ ખૂંખાર આતંકવાદીઓના નૌકાઓમાં બેસીને શ્રીલંકાથી લક્ષ્યદ્વીપ તરફ રવાના થવાના અહેવાલ આવ્યા બાદથી ખળભળાટ મચી ગયો છે. નૌકામાં દેખાયેલા આઈએસના ૧૫ આતંકવાદીની આગેકૂચથી કેરળ અને દરિયા કાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરીય સુત્રોએ કહ્યું છે કે, દરિયાકાંઠાના પોલીસ સ્ટેશનો અને દરિયા કાંઠાના જિલ્લા પોલીસ પ્રમુખોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષ્યદ્વીપ અને મિનિકોય દ્વિપની આસપાસ તેમજ શ્રીલંકા સરહદ ઉપર દરિયાઈ જહાજો અને ડિટેક્વિટ વિમાનોની તૈનાતી કરી દીધી છે. પોલીસના ઉચ્ચ સ્તરીય સુત્રોએ કહ્યું છે કે, આ પ્રકારના એલર્ટની જાહેરાત કરવાની બાબત સામાન્ય છે પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઇને કોઇ ખાસ સુચના આવી નથી. એવું પણ જાણવા મળ્યું છે કે, એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. આજ દિવસે શ્રીલંકા તરફથી પણ માહિતી મળી છે. ગુપ્તચર સંસ્થાઓનું કહેવું છે કે, હજુ પણ કેરળના અનેક લોકોના આઈએસઆઈએસ સાથે સંબંધ રહેલા છે. ઇરાક અને સિરિયામાં આઈએસનો ખાત્મો કરવામાં આવી ચુક્યો છે. શ્રીલંકામાં ૨૧મી એપ્રિલના દિવસે આઠ બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં ૩૨૫થી પણ વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઇસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. આવી સ્થિતિમાં આતંકવાદીઓની હિલચાલ ભારત માટે પણ ચિંતા ઉપજાવે તે પ્રકારની છે. નૌકાઓમાં આઈએસના ૧૫ ખૂંખાર આતંકવાદીઓ નજરે પડ્યા બાદ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગરુપે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ખુબ જ મજબૂત કરી દેવામાં આવી છે. હાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આઈએસના આતંકવાદીઓ કેરળમાં હુમલા કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શ્રીલંકામાં બનેલી ઘટના પછી માછીમારોના માલિકો અને દરિયામાં જતા લોકોને કોઇપણ પ્રકારની ગતિવિધિથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

(7:44 pm IST)