Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

શપથવિધિમાં હાજરી માટે નરેન્દ્ર મોદીને જગન મોહન રેડ્ડીનું આમંત્રણ

નરેન્દ્ર મોદી સાથે જગન મોહન રેડ્ડીની વિસ્તૃત બેઠક : સાનુકુળ બેઠક યોજાઈ : જગન મોહન રેડ્ડી નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા

નવીદિલ્હી, તા. ૨૬ : વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. મોદી સાથે થોડાક સમય સુધી વાતચીત પણ કરી હતી. સાથે સાથે આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવા માટે રજૂઆત પણ કરી હતી. જગન મોહન રેડ્ડીએ ૩૦મી મેના દિવસે વિજયવાડામાં મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની તૈયારી કરી છે ત્યારે શપથવિધિમાં ઉપસ્થિત રહેવા મોદીને આમંત્રણ આપ્યું હતું. જગન મોહને આંધ્રમાં ખાસ દરજ્જાની માંગ કરીને રજૂઆત કરી હતી. નવી દિલ્હીમાં સરકારની રચના કરવામાં આવ્યા બાદ આંધ્રને ખાસ રાજ્યના દરજ્જા તરફ વિચારણા કરવા જગને અપીલ કરી હતી. સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં જોરદાર જીત મેળવવા બદલ મોદીને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ પણ જગન મોહનને વળતી શુભેચ્છા આપી હતી. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જગન મોહને ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. જગન મોહન મોદી માટે ખાસ સૌલ અને તિરુપતિ બાલાજીના ફોટાની ભેંટ આપી હતી. મોદીને મળ્યા બાદ જગન મોહન ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા માટપણ પહોંચ્યા હતા. જગન મોહન આ પહેલા ૨૦૧૫ અને ૨૦૧૭માં મોદીને મળી ચુક્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીના પુત્ર જગનની પાર્ટીને વિધાનસભામાં ૧૭૫માંથી ૧૫૧ સીટો મળી છે જ્યારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીનો સફાયો થયો છે. તેમની પાર્ટી ટીડીપીને માત્ર ૨૩ સીટો મળી છે. આંધ્રની લોકસભા સીટના સંદર્ભમાં વાત કરવામાં આવે તો તેમાં પણ વાયએસઆર કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. ૨૫માંથી ૨૨ સીટો તેમની પાર્ટીએ જીતી લીધી છે. મહાગઠબંધન માટે દિલ્હીમાં પ્રચારમાં વ્યસ્ત રહેલા નાયડુને માત્ર ત્રણ સીટો મળી છે. તમામ લોકો જાણે છે કે, ૨૦૦૯માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જગનના પિતા અને રાજ્યના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું અવસાન થયું હતું. કોંગ્રેસ સાથે મતભેદના લીધે જગન મોહને ૨૦૧૧માં પોતાની અલગ પાર્ટી બનાવી હતી. જગન મોહને મોદી સાથે બેઠક યોજ્યા બાદ કહ્યું હતું કે, જો ભાજપને લોકસભા ચૂંટણીમાં ૨૫૦ સીટો જ મળી હોત તો અમને કેન્દ્ર સરકાર ઉપર વધારે આધાર રાખવાની જરૂર પડી ન હોત પરંતુ હવે તેમને અમારી જરૂર નથી. અમે જે કંઇ કરવાની સ્થિતિમાં હતા તે કરી રહ્યા હતા. ટીડીપી દ્વારા એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો પરંતુ જગન મોહનના સંબંધ ભાજપ સાથે સુધર્યા હતા.

(7:33 pm IST)