Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે ૩૦મી મેના દિવસે શપથ : તૈયારી પૂર્ણ

સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ તમામને હોદ્દા-ગુપ્તતાના શપથ લેવડાવશે : નરેન્દ્ર મોદી ગુજરાત બાદ આજે વારાણસીમાં લોકોનો અભાર માનવા માટે પહોંચશે સતત બીજીવાર કોંગીને હાર આપીને ભારતીય જનતા પાર્ટીની સત્તામાં એન્ટ્રી

નવીદિલ્હી, તા.૨૬ : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવી લીધા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દેવામાં આવ્યો છે. ૨૭મી મેના દિવસે એટલે કે આવતીકાલે મોદી વારાણસી પહોંચશે અને ત્યાં લોકોના આશીર્વાદ મેળવી લીધા બાદ સરકાર રચવાની કવાયાત આગળ વધશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૩૦મી મેના દિવસે સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન અને કેન્દ્રીયમંત્રીમંડળના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. જુદા જુદા પક્ષોના નેતાઓને પણ મોદી કેબિનેટમાં સામેલ કરવાની કવાયત શરૂ થઇ ચુકી છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવીને મોટાભાગની  સીટો જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી જ્યારે એનડીએની ૩૫૩ સીટો રહી છે. યુપીએને ૮૫ સીટો હાથ લાગી છે જેમાં કોંગ્રેસની ૫૫ સીટો સામેલ છે. બાકી સીટો અન્યોના ખાતામાં ગઇ છે. ઉત્તરપ્રદેશ સહિતના તમામ મોટા રાજ્યોમાં ભારતીયન જનતા પાર્ટીએ પોતાના ગઢને જાળવી રાખીને બંગાળ જેવા રાજ્યોમાં સફળતા પણ હાંસલ કરી છે. અત્રે નોંધનીય છે કે, સંસદના સેન્ટ્રલ હોલમાં ગઇકાલે નરેન્દ્ર મોદીની વિધિવતરીતે ભાજપ અને એનડીએના સંસદીય પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભાજપ સંસદીય દળની અને એનડીએની બેઠકમાં મોદીને નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીત બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપ સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારબાદ તમામ સભ્યોએ તેનું સ્વાગત કર્યું હતું. પ્રસ્તાવને ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ ભાજપના તમામ ચૂંટાયેલા સંસદ સભ્યોએ હાથ ઉઠાવીને મોદીના નારા વચ્ચે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભાજપ પ્રમુખ અમિત શાહે સર્વસંમતિથી મોદીને ભાજપ સંસદીય પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોદીને એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શિરોમણી અકાળી દળના સ્થાપક પ્રકાશસિંહ બાદલે મોદીએ એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટી કાઢવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી કરતા પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વધારે સીટો મેળવી છે. ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતિ મેળવી હતી પરંતુ આ વખતે તેના કરતા પણ વધારે સીટો હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને છેલ્લી ચૂંટણીમાં ૪૪ સીટો મળી હતી જેની સામે આ વખતે માત્ર ૫૫ સીટો મળી છે અને ૧૦ સીટો જ વધારી શક્યું છે.

(7:28 pm IST)