Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડાપ્રધાનને શુભેચ્‍છા પાઠવવા આવેલ સાધ્‍વી પ્રજ્ઞાને મોદીએ કોઠું ન આપ્‍યું અણગમો વ્‍યકત કર્યોઃ મોદીએ કહ્યું હુ મનથી કયારેય પ્રજ્ઞાને માફ નહી કરી શકુ

નવી દિલ્હીનરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે ભોપાલથી સાંસદ તરીકે ચૂંટાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરથી મોદી હજુ પણ નારાજ છે. શનિવારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત એનડીએની બેઠકમાં મોદીને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. ત્યારબાદ તમામ સાંસદ મોદીને શુભેચ્છા આપી રહ્યા હતા. તેઓ બધાને હસીને મળ્યા, પરંતુ જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમને શુભેચ્છા આપવા આગળ વધી તો મોદીએ મોં ફેરવી લીધું અને આગળ વધવાનો ઈશારો કરી દીધો.

મૂળે, લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીના હત્યા કરનારા નથૂરામ ગોડસેને લઈને મોટું નિવેદન આપ્યું હતું. સાધ્વીએ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે નથૂરામ ગોડસે દેશભક્તા હતા, છે અને રહેશે. આ કારણે ભાજપને ચારે તરફથી આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ ભાજપના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી વડાપ્રધાન મોદીનું નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે, મહાત્મા ગાંધી અને નથૂરામ ગોડસેને લઈને જે પણ વાતો કહેવામાં આવી છે, તે ભયંકર ખરાબ છે. આ વાતો સમગ્રપણે ઘૃણાને લાયક છે. સભ્ય સમાજની અંદર આ પ્રકારની વાતો નથી ચાલતી. પીએમ મોદીએ કહ્યું કે ભલે આ મામલામાં તેઓએ (સાધ્વી પ્રજ્ઞા) માફી માંગી લીધી હોય, પરંતુ હું મારા મનથી તેમને ક્યારેય માફ નહીં કરી શકું.

ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટની આરોપી રહી ચૂકી છે. ગોડસે પર નિવેદનને લઈને ચારે તરફથી ઘેરાયા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હતી, પરંતુ ત્યાં સુધી વિવાદ વધી ચૂક્યો હતો. પહેલા અમિત શાહનું નિવેદન આવ્યું અને બાદમાં તેને લઈને નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું.

(1:41 pm IST)