Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

કોંગ્રેસ કારોબારીની બેઠકમાં કમલનાથની ગેરહાજરી રહી

હાર-જીત થતી રહે છે : મનમોહનસિંહે કહ્યું : પાર્ટીને હાલમાં તેમની જરૂર હોવાનો અભિપ્રાય રજૂ થયો

નવીદિલ્હી, તા. ૨૫ : કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણીમાં હાર તેમના માટે જવાબદારીની વાત છે જેથી તેઓ રાજીનામુ આપવા ઇચ્છુક છે. રાહુલ ગાંધીને ત્યારબાદ પ્રિયંકા ગાંધી, સોનિયાગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મનાવવાના પ્રયાસ કર્યા હતા. આના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, તેઓ આ હાર માટેની જવાબદારી સ્વીકારે છે. રાહુલ ગાંધીને સમજાવીને મનમોહનસિંહે કહ્યું હતું કે, રાજીનામાની વાત કરવી જોઇએ નહીં. પાર્ટીની હાર જીત થતી રહે છે. પાર્ટીના નેતૃત્વ માટે અન્ય કોઇ બીજા વિકલ્પ રહ્યા નથી. રાહુલ ગાંધીને સમજાવીને મનમોહનસિંહે કહ્યું હતું કે, ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી પણ પરાજિત થયા હતા પરંતુ ફરી એકવાર પાર્ટીએ વાપસી કરી હતી. સુત્રોના કહેવા મુજબ કારોબારીની બેઠકમાં રાહુલની ટીમને લઇને પ્રશ્નો થયા હતા. આજની બેઠકમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ તેમાં ગેરહાજર રહ્યા હતા. કારોબારીમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ, ગુલામનબી આઝાદ, કેપ્ટન અમરિન્દરસિંહ, સિદ્ધારમૈયા, અશોક ગેહલોત, શિલા દિક્ષિત, અન્યો ઉપસ્થિત રહ્યા હતા. જો કે કમલનાથની ગેરહાજરી સૂચક દેખાઈ હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. પાર્ટીએ ફરી એકવાર કોઇ વાત કરી નથી પરંતુ અંદરખાને એવી ચર્ચા ચાલી રહી છે કે, મોદીની સામે વધારે પડતા પ્રહાર કરવાથી નુકસાન વધારે થયું છે. ખાસ કરીને ચોકીદાર ચોર હૈ જેવા નકારાત્મક પ્રચારથી પાર્ટીને ભારે નુકસાન થયું છે.

(12:00 am IST)