Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી ટૂંક સમયમાં વધવાના સંકેતો

હાર બાદ મમતા બેનર્જીએ પણ રાજીનામાની ઓફર કરી : આગામી વિધાનસભા માટેની ચૂંટણીમાં ભાજપ મમતા બેનર્જીની હાલત વધારે ખરાબ કરે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે : હેવાલ

કોલકાતા, તા. ૨૫ : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ધરખમ દેખાવ કર્યા બાદ મમતા બેનર્જીની ઉંઘ હરામ થઇ ગઈ છે. આવનાર દિવસોમાં મમતા બેનર્જીની મુશ્કેલીઓ હજુ વધી શકે છે. ખરાબ દેખાવ બાદ મમતા બેનર્જીએ રાજીનામાની ઓફર પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પાર્ટીના લોકોએ તેમની ઓફરને ફગાવી દીધી છે. લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં જોરદાર સપાટો બોલાવ્યો છે અને ૧૮ સીટો જીતી લીધી છે જ્યારે ટીએમસીને ૨૨ સીટો મળી છે. મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો મમતા બેનર્જીના ખાતામાં ૪૩.૩ ટકા મત હિસ્સેદારી આવી છે જ્યારે ભાજપના ખાતામાં ૪૦.૨ ટકા મત હિસ્સેદારી આવી છે. એકબાજુ ૨૦૧૪માં ટીએમસીની મત હિસ્સેદારી લોકસભાની ચૂંટણીમાં ૩૯.૩ ટકા હતી જેની સામે ૨૦૧૯માં મતહિસ્સેદારી ટીએમસીની ૪૩.૩ ટકા થઇ છે જ્યારે બીજી બાજુ ભાજપની મતહિસ્સેદારી ૧૬.૮ ટકાથી વધીને ૪૦.૨ ટકા થઇ ગઈ છે. ૨૦૧૪માં ભાજપની માત્ર બે સીટ હતી જેની સામે વધીને હવે ૧૮ સીટો થઇ ગઇ છે. આવનાર વિધાનસભાની ચૂંટણી બંગાળમાં મમતા બેનર્જી માટે ખુબ જ મુશ્કેલ બની શકે છે. તેમના હાથમાં તાજ જઈ શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, ૨૦૨૧માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મમતા બેનર્જી માટે સૌથી મુશ્કેલરુપ બની રહેશે. અંતિમ આંકડાની ગણતરી કરવામાં આવે તો તૃણમુલ કોંગ્રેસે રાજ્યની ૨૯૪ પૈકી ૧૬૪ સીટો જીતી હતી પરંતુ ભાજપ ૧૨૧ સાથે હવે વધારે પાછળ નથી. આ તમામ આંકડાઓ મમતા બેનર્જીની મુશ્કેલીને વધારી શકે છે. કોલકાતા દક્ષિણ અને ઉત્તરની આસપાસની પાંચ લોકસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવારો પાંચ વિધાનસભા સેગ્મેન્ટમાં આગળ રહ્યા છે જે મમતા બેનર્જીની મુશ્કેલીને વધારી શકે છે. કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, કોલકાતા દક્ષિણમાં ૩૫ સીટો રહેલી છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ટીએમસીએ ૩૨ સીટો જીતી હતી. આ વિસ્તારમાં ટીએમસીએ સપાટો બોલાવ્યો હતો જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપે પાંચ સીટોમાં ગાબડા પાડી દીધા છે. તૃણમુલ કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. તૃણમુલ કોંગ્રેસની હાલત આવનાર દિવસોમાં વધારે ખરાબ થઇ શકે છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમા પાર્ટીઓ દ્વારા જીતવામાં આવેલા વિધાનસભા સેગ્મેન્ટની વાત કરવામાં આવે તો ટીએમસીએ ૧૬૪ અને ભાજપે ૧૨૧ સેગ્મેન્ટ ઉપર જીત મેળવી છે.

બંગાળમાં સ્થિતિ........

લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો છે અને મમતા બેનર્જીની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં બંગાળનું ચિત્ર નીચે મુજબ રહ્યું છે.

કુલ લોકસભા સીટ........................................... ૪૨

પરિણામ જાહેર................................................ ૪૨

ટીએમસી......................................................... ૨૨

ભાજપ............................................................. ૧૮

કોંગ્રેસ............................................................. ૦૨

ડાબેરીઓ........................................................ ૦૦

(12:00 am IST)