Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કેન્‍દ્ર સરકારનો ચાર વર્ષનો કાર્યકાળ પુરો થવા પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કટક ખાતેથી રિપોર્ટ કાર્ડ આપ્‍યુ: કોંગ્રેસ પર પ્રહાર કર્યા

કટક: કેન્‍દ્ર સરકારનો ચાર વર્ષનો કાર્યકાળ પુરો થવા પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીઅે કટક ખાતેથી રિપોર્ટ કાર્ડ આપેલ હતું. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી તો કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યાં હતાં. મનમોહન સરકારમાં સોનિયા ગાંધીની દખલ પર ઈશારાઓમાં સૂચન કરતાં પીએમે જણાવ્યું હતું કે,’અમે જનપથથી નહિ પરંતુ જનમતથી સરકાર ચલાવીએ છીએ.’ કાળા ધન અને કરપ્શન વિરુદ્ધ સરકારના પ્રયત્નોને લઈ કહ્યું કે અમે JAM એટલે કે જનધન, આધાર અને મોબાઈલ દ્વારા 80000 કરોડ રુપિયા ખોટા હાથમાં જતાં બચાવ્યાં છે. યુપીએ સરકાર સાથે સરખામણી કરતાં મોદીએ કહ્યું કે સરકાર કન્ફ્યૂઝનવાળી નથી પરંતુ કમિટમેન્ટવાળી છે. મોદીએ કહ્યું કે,’કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે ત્યારે દેશની રાજકોશ ખાદ્ય ઓછી કરવાનો પ્રયાસ સફળ થાય છે. કાળા ધન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી સરકાર જે રીતે લડાઈ લડી રહી છે. તેણે કટ્ટર દુશ્મનોને પણ દોસ્ત બનાવ્યાં છે.

જનતા જોઈ રહી છે. પહેલા એવી કલ્પના હતી કે મોટા લોકોને કશું થતું નથી પરંતુ આજે ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ જેલમાં છે.’ વડાપ્રધાને કહ્યું કે,’ચાર વર્ષમાં દેશના લોકોમાં ભરોસો આવ્યો છે કે સ્થિતિ બદલી શકાય છે. હિંદુસ્તાન બદલી શકે છે. દેશ નિરાશાથી આશા, કુશાસનથી સુશાસન, કાળાધનથી લઈ જનધન તરફ આગળ વધી રહ્યો છે. કામખ્યા, કન્યાકુમારી, બલિયા, બીદર, બાડમેર સુધી સરકાર સૌનો સાથ સૌના વિકાસ માટે કામ કરી રહી છે. તે એનડીએ સરકાર છે જેના માટે ગરીબોનો પરસેવો ગંગાજળ જેવો પવિત્ર છેપીએમે પોતાની સામાન્ય પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે,’અમે ગરીબી જોઈને આવ્યાં છીએ. આથી અમારા માટે તેમનું કલ્યાણ અમારી પ્રતિબદ્ધતા છે. એવી સરકા છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું જીવન એક એક રુપિયાની ચિંતા કરતાં પસાર થયું છે. ચાંદી કી ચમ્મચની વાત મૂકો અમે તો નાનપણ એવી રીતે પસાર કર્યું છે. જ્યાં ચમચી પણ જોઈ નથી.’

મોદીએ કહ્યું હતું કે,’અમે જનતાનો વિશ્વાસ અને જનતાનો મત બન્ને જીત્યાં છે. ગત ચાર વર્ષમાં પાંચ રાજ્યોમાંથી આગળ વધીને 20 રાજ્યમાં અમારી સરકાર બની છે. દેશભરમાં બીજેપીના આજે 1500થી વધારે ધારાસભ્ય છે. સ્થાનીક ચૂંટણીમાં અમારા હજારો જનપ્રતિનિધિ સેવાકાર્ય કરે છે. અમને જનતાના આશીર્વાદ મળી રહ્યાં છે. જનતાના વિશ્વાસની જીત છે. તે માતાના આશીર્વાદ છે. જેમને ધૂમાડામાંથી મુક્તિ અપાવી છે. તે દીકરીઓની મુસ્કાન છે. જેમને સુરક્ષા અને શિક્ષા મેળવી. તે અન્નદાતાના આશીર્વાદ છે. જેમના હિતોની વાત થઈ.’

વડાપ્રધાને જણાવ્યું હતું કે,’જનતાની આકાંક્ષાઓ ત્યારે સ્પષ્ટ થઈ હતી જ્યારે જનતાએ 30 વર્ષ પછી પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. અમે કઠોર નિર્ણયો લેવાથી ડરતાં નથી અને મોટા નિર્ણય લેવાથી ચૂકતા પણ નથી. અમે કન્ફ્યૂઝન નહિ. કમિટમેન્ટવાળી સરકાર ચલાવીએ છીએ ત્યારે OROPને મંજૂરી મળે છે અને ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક શક્ય બને છે.’

વડાપ્રધાને ગત સરકાર સાથે સરખામણી કરતાં કહ્યું કે,’દેશના અડધા લોકોને ગેસ કનેક્શન, વીજળી નહોતી મળતી. અડધાથી વધારે ગામમાં શૌચાલય નહોતાં. વંચિત સમાજ, દલિત, શોષિત અને આદિવાસી હતાં. કેટલાક રાજનૈતિક દળોએ વોટ માટે ખિસ્સા બનાવ્યાં હતાં અને તેમનું કામ કરતાં હતાં. રાજનૈતિક દળો યોજનાઓની જાહેરાત કરીને તેને ભૂલી જતાં હતાં. ચાર વર્ષમાં 10 કરોડથી વધારે લોકોને અમારી સરકારે ગેસ કનેક્શન આપ્યાં છે. જેમાં ઉજ્જવલા યોજનાનું મોટું પ્રદાન છે.’ મોદીએ જણાવ્યું હતું કે, 2014 સુધી દેશમાં આશરે 50 ટકા ગામમાં રસ્તો હતો. વર્ષે માર્ચ સુધી કામ 85 ટકા સુધી થઈ ચૂક્યું છે. આવતા વર્ષે દરેક ગામનો વિસ્તાર રસ્તા સાથે જોડાઈ જશે. 2014માં 40 ટકા વસ્તી સ્વચ્છતાના વિસ્તારમાં હતી જે હવે 80 ટકા સુધી પહોંચી છે. દેશ જ્યારે 150મી જયંતી ઉજવી રહ્યું હશે ત્યારે આપણે તેને સંપૂર્ણ સ્વચ્છતા સાથે યાદ કરીશું.

(12:11 am IST)