Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે રજુ થયેલો સંગીતનો સ્‍વરોત્‍સવ કાર્યક્રમઃ શિકાગોમાં સંગીતના રસિયાઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપીને સફળ બનાવ્‍યોઃ ૯૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપીને સાડા ચાર કલાક સુધી ગુજરાતી સંગીતની અને ગીતોની મોજમાણીઃ

(કપિલ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો વિસ્‍તારમાં છેલ્લા અગીયાર વર્ષથી ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો નામની સંસ્‍થા કાર્યવંત છે અને તે સંસ્‍થાના સંચાલકો સીનીયરોના હિતાર્થે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ ચલાવે છે જેના લાભ સીનયરોને મહદ અંશે મળે છે આ સંસ્‍થાના સંચાલકોએ મે મહિનાની ૧૮મી તારીખને શુક્રવારે વડોદરાના પ્રખ્‍યાત હાર્મની ગૃપના કલાકારોનો સ્‍વરોત્‍સવ નામનો એક ગુજરાતી સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ ઇટાસ્‍કા ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરના સાંસ્‍કૃતિક ભવનમાં યોજવામાં આવ્‍યો હતો જેમાં શિકાગોના સંગીતના ૯૦૦ જેટલા રસિયાઓએ હાજરી આપને સફળ બનાવ્‍યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્‍થાના સેક્રેટરી રક્ષીકાબેન અજારીયાએ હાજર રહેલા સૌ પ્રેક્ષકોને આવકાર આપીને સીનીયર સંસ્‍થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ સિનિયરોના હિતાર્થે કરવામાં આવે છે તેનો આછેરો  ખ્‍યાલ આપ્‍યો હતો અને ત્‍યાર બાદ સ્‍વરોત્‍સવનો સંગીતનો કાર્યક્રમ બરાબર ૮ વાગે શરૂ થયો હતો અને ઇન્‍ટરવલ સુધીના બે કલાકના સમયગાળા દરમ્‍યાન હાર્મની ગૃપના કલાકારોએ સૌ પ્રથમ ગણેશશ્‍લોક વક્રકુન્‍દ મહાકાય રજુ કરીને કાર્યક્રમના શ્રીગણેશ કર્યા હતા. હાર્મની ગૃપના અગ્રણીએવા શની જાધવે (૧)આજબાપુની પુણ્‍યભૂમિ પર, (૨)નયનને બંધ રાખીને તેમજ ગુજરાતના જાણીતા સંગીતકાર અવિનાશ વ્‍યાસ રચિત ધુણીરે ધખાવી તારા નામનીએ ગીતો રજુ કર્યા હતા.

આ સમય દરમ્‍યાન દક્ષાબેન સોલંકીએ છેલાજીરે મારે હારૂ પાટણથી પટોડા તેમા છાનુરે છપનું કઇ થાય નહી એમ બે ગુજરાતી ગીતો રજુ કર્યા બાદ ગુજરાતના જાણીતાકવિ રમેશ પારેખની એક કૃતિ સાંવરીયા પોતાના મધુરકંઠે ગાઇને પ્રેક્ષકોની લોક ચાહના પ્રાપ્ત કરી હતી તેમણે કોણ હલાવે લીમડી નામનું પણ ગુજરાતી ગીત રજુ કર્યુ હતુ ત્‍યારબાદ રીંકુબેન પટેલે ઓધવજી કાનાને મતાવો મથુરામાં જાઓ એ ગીત સુંદર કંઠે રજુ કર્યુ હતુ જયારે આ ગૃપના ચારેય કલાકારોએ મણીયારા નામનો રાસ તેમજ ગુજરાતના જાણીતા ગાયક ઓસમાન મીરના કંઠે ગવાયેલુ મોરબની થનધાટ કરે તે પણ આ કલાકારોએ સંયુક્‍ત રીતે ગીત સુંદર રીતે રજુ કર્યુ હતું.

ઇન્‍ટરવલ બાદ સ્‍વરોત્‍સવનો બીજો ભાગ શરૂ થયો હતો જાણીતા ગાયક શની જાધવે (૧)પંખીઓએ કલશોર કર્યો તેમજ (૨)તારી આંખનો અફીણી તેમજ હૂતુતુની રમતોની ઝાંખી કરાવતું ગીત સુંદર રીતે રજુ કર્યુ હતુ જયારે ગાયિકા રીંકુ પટેલે (૧)પાન લીલુ જોયુંને તો યાદ આવ્‍યા (૨)હાલો હાલો આપણા મલકમાં ગીત રજુ કર્યુ હતુ. વધારામાં કલ્‍પેશ ખારવાએ નયનના જામ છલકાવીને તથા મારા ભોળા દિલનો ગુજરાતી ગીતો રજુ કરતા પ્રેક્ષકોએ રાહત અનુભવી હતી.

સાડાચાર કલાક ચાલેલ આ સંગીતના કાર્યક્રમનું સંચાલન ગુજરાતના કવિ અને ગઝલકાર તથા કટાર લેખક અંકિત ત્રિવેદીએ કર્યુ હતું.

શ્રી ગણેશજીના શ્‍લોકથી આ કાર્યક્રમની શરૂાત થઇ હતી અને તેની પૂર્ણાહુતિ ગુજરાતના કવિ ઝવેરચંદ મેઘાણીએ ભૈરવી રાગમાં દેશભક્‍તિને સ્‍પર્શતુ સૌરાષ્‍ટ્રના ક્ષત્રિયો માટે લખાયેલુ ગીત કસુંબીનો રંગ હાર્મની ગૃપના ચાર કલાકારો જેમાં (૧)શની જાધવ (૨)રીકું પટેલ (૩)કલ્‍પેશ ખારવા તેમજ (૪)દક્ષા સોલંકીનો સમાવેશ થાય છે તેઓએ પોતાના સમધુરકંઠે રજુ કરીને અત્‍યંત લોક ચાહના પ્રાપ્ત કરી હતી. સ્‍વરોત્‍સવનો સંગીતનો કાર્યક્રમ યોજવા બદલ આ સંસ્‍થાના સંચાલકો અભિનંદનને પાત્ર છે

(11:14 pm IST)