Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સ્ટરલાઈટ કોપર પ્રોજેક્ટના વિસ્તરણને લઈ હજુય આશા

૧૩ દેખાવકારોના મોત છતાં વિસ્તરણ પર મક્કમ : કંપની પોતાની ક્ષમતાને બે ગણી કરવા માટે હજુય ઈચ્છુક

નવી દિલ્હી,તા. ૨૬ : તાજેતરમાં જ જોરદાર વિરોધ પ્રદર્શનમાં ૧૩ લોકોના મોત થયા હોવા છતાં વેદાંતા રિસોર્સેજ તમિલનાડુમાં પોતાના સ્ટરલાઈટ કોપર યુનિટને ફરીથી શરૂ કરવાની આશામાં છે. એટલું જ નહીં યુનિટને બંધ કરવાની માંગને લઈને થયેલા ઉગ્ર આંદોલનમાં ૧૩ લોકોના મોત થયા હોવા છતાં કંપની પોતાની ક્ષમતાને બે ગણી કરવા માટે ઈચ્છુક છે. કંપનીના એક અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. ૧૩ દેખાવકારોના મોત બાદ પણ વેદાંતા પોતાના સ્ટરલાઈટ કોપર પ્રોજેક્ટના વિસ્તરણને લઈને જિદ્દી વલણ ધરાવે છે. કંપનીનું આ વલણ રાજ્ય સરકારના એ નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે જેમાં સરકારે કહ્યું છે કે વાયુ પ્રદુષણ અને સ્થાનિક સ્તર પર પાણીના ઝેરી હોવાના આરોપોના કારણસર સ્ટરલાઈટ કોપર યુનિટને હંમેશ માટે બંધ કરી દેવા પર સરકાર વિચારણા કરી રહી છે. ઉગ્ર વિરોધ પ્રદર્શનથી વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલની મહત્વકાંક્ષાઓને ફટકો પડ્યો છે. વેદાંતાના ભારતમાં કોપર બિઝનેસના મુખ્ય કારોબારી પી.રામનાથે એક મુલાકાતમાં કહ્યું છે કે અમે હજુ પણ આ સ્થિતિમાં નથી કે પ્લાન્ટને કોઈ બીજી જગ્યાએ સ્થાપિત કરવાના સંદર્ભમાં વિચારી શકીએ. તેમણે ઉમેર્યું છે કે અમને વિશ્વાસ છે કે આ વિવાદને ઉકેલી લેવામાં આવશે. અમારે ખૂબ ચોક્કસપણે વધારે પ્રયાસ કરવાની જરૂર પડશે પરંતુ તેમને વિશ્વાસ છે કે ટૂંકમાં જડ તમામ વિવાદોનો ઉકેલ આવી જશે. સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ તમિલનાડુના દરિયાકાંઠાના શહેર તુતીકોરેનમાં સ્થિત છે. માર્ચ મહિનાથી આ પ્લાન્ટ બંધ છે. પ્લાન્ટમાં મેન્ટનન્સનું કામ ચાલી રહ્યું છે અને લાઈસન્સના રિન્યુની રાહ જોવામાં આવી રહી છે. માર્ચ મહિનાથી જ સ્થાનિક લોકો પ્લાન્ટને સ્થાઈ રીતે બંધ કરવાની માંગને લઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ એક કૂચ યોજવામાં આવી હતી. આ કૂચ દરમિયાન પોલીસ ગોળીબારમાં ૧૦ દેખાવકારોના મોત થઈ ગયા હતા. ત્યારબાદ બીજા ત્રણ દેખાવકારોના હિંસામાં મોત થયા હતા. રામનાથ કહે છે કે સ્ટરલાઈટ કોપર યુનિટને લઈને એક ખોટી ધારણા થયેલી છે. તુતીકોરીનમાં સૌથી વધુ પ્રદુષણ ફેલાવનાર એકમો આવેલા છે. આનુ કદ ખુબ મોટુ છે. પ્લાન્ટને ફરી શરૂ કરવા અને તેની ક્ષમતાને બેગણી કરવા માટે સ્થાનિક લોકોનું સમર્થન મળે તે પણ જરૂરી છે. કાયદાકીય રસ્તાઓથી પણ કેટલાક પગલા લેવામાં આવી રહ્યા છે. તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગુરૂવારના દિવસે પ્લાન્ટના વીજળી પુરવઠાને કાપી દઈને વધુ ચર્ચા જગાવી હતી. ગયા સપ્તાહમાં એવી માહિતી મળી હતી કે કંપની પરવાનગી વગર પ્લાન્ટને ફરી શરૂ કરવાની તૈયારીમાં છે.

(7:37 pm IST)