Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કોંગ્રેસ સાથે પ્રિપોલ જોડાણ કરવાની માયાની હિલચાલ

બસપ માયાવતીને પીએમ ઉમેદવાર બનાવશે : મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવાની પ્રાથમિક તૈયારી

નવી દિલ્હી,તા. ૨૬ : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. વિપક્ષી એકતાના પ્રયાસો પણ થઈ રહ્યા છે પરંતુ આને મોટો ફટકો પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. અલબત્ત પાર્ટીને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં સંસદના નીચલા ગૃહમાં એક પણ સીટ મળી ન હતી છતાં પાર્ટી માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા વિચારી રહી છે. આ સંદર્ભમાં નિર્ણય કોઈપણ સમયે કરવામાં આવી શકે છે. બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય કોરોબારીની બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઈ રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપને પરાજિત કરવાના હેતુસર તમામ વિરોધ પક્ષો એક થઈ રહ્યા છે ત્યારે નેતૃત્વના મુદ્દા ઉપર પહેલાથી જ ખેંચતાણ શરૂ થઈ ચુકી છે. ભાજપ શાસિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે પ્રિપોલ જોડાણની શક્યતા ચકાસવામાં આવી રહી છે. માયાવતીએ છેલ્લા થોડાક સપ્તાહમાં દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. વ્યૂહરચના ઉપર ચર્ચા કરી છે. આગામી રાજ્ય ચૂંટણીઓ માટે નવી નવી વ્યૂહરચના ઉપર નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે. ઉમેદવારોની યાદી ઉપર પણ વાતચીત થઈ રહી છે. બહુજન સમાજ પાર્ટી ઉત્તરપ્રદેશમાંથી બહાર નીકળીને રાષ્ટ્રીય સ્તર ઉપર ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. બસપે હાલમાં જ કર્ણાટકમાં ચુંટણી પહેલા જોડાણ માટે જનતાદળ સેક્યુલર સાથે હાથ મિલાવ્યા હતા અને કર્ણાટકમાં એક સીટ જીતી લીધી હતી. જોકે માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાને લઈને રાજકીય પક્ષો હાસ્યાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. લોકસભામાં એકપણ સીટ ન મેળવનાર પાર્ટી પણ વડાપ્રધાન પદના ઉમેદવારની વાત કરે છે જે ખૂબ હાસ્યાસ્પદ અને લાલચી છે.

(7:33 pm IST)
  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • ગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST