Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હનુમાનજી પ્રથમ આદિવાસી નેતા હતાં: રાજસ્‍થાનના ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્‍પદ નિવેદન

જયપુરઃ રાજસ્થાનની રામગઢ બેઠકના ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ અહુજાએ નિવેદન કર્યું છે કે હિન્દુઓના ભગવાન હનુમાન વિશ્વના પ્રથમ આદિવાસી નેતા હતા, એટલું જ નહીં હનુમાનજી આદિવાસીઓમાં પ્રથમ સંત હતા. ભગવાન રામ વનવાસ દરમિયાન જ્યારે રાવણ સામે લડાઇ કરવા જઇ રહ્યા હતાં ત્યારે હનુમાનજીએ આદિવાસીઓની સેના બનાવી હતી અને ભગવાન રામ પાસેથી ટ્રેનિંગ લીધી હતી.

જ્ઞાન દેવ અહુજાએ કહ્યું હતું કે ગત એપ્રિલ મહિનામાં ભારત બંધના દેખાવો દરમિયાન ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા નીચે હનુમાનજીને મૂર્તિ લગાવી હતી તે ભગવાનનું અપમાન છે. ત્યારે તેમણે રાજસ્થાનના ભાજપના સાંસદ કિરોડી મલ મીણાને પણ ફોન કરીને જણાવ્યુ હતુ કે તમારે બધાને શરમ અનુભવવી જોઈએ કે તમે પોતાને આદિવાસી કહો છો અને પાછા તેમનુ (હનુમાનજી) અપમાન પણ કરો છો.

આહુજાએ કહ્યું કે એસસી/એસટી પોતાને આદિવાસી ગણાવે છે. આંબેડકરને તેઓ પોતાના ભગવાન માને છે. પરંતુ ખરેખરમાં તો હનુમાનજી વિશ્વના પ્રથમ આદિવાસી નેતા હતા અને હનુમાનજી જ એસસી/એસટીના પ્રથમ ભગવાન છે. હનુમાનજીએ દલિતોને ટ્રેનિંગ આપી હતી. હનુમાનજીના વિશ્વમાં 40 લાખ મંદિર આવેલા છે. આટલા બધા મંદિર કોઈપણ ભગવાનના નથી.

આહુજાના નિવેદન અંગે સાંસાદ મીણાએ કોઈપણ વિવાદાસ્પદ નિવેદનથી બચતા કહ્યું હતું કે હનુમાનજીના સમયમાં અત્યારના જેવુ રાજકારણ ન હતું. અહુજાએ હનુમાનજીને આદિવાસી નેતા કહ્યા છે તો તેઓ જ સારી રીતે કહી શકે તેમણે શા માટે હનુમાનજીને આદિવાસી નેતા કહ્યા હશે.મેં સાંભળુ હતું કે ભગવાન હનુમાજીનું અપમાન કરવામાં આવ્યું હતું. તે દુર્ભાગ્યપૂર્ણ હતું. આદિવાસી સાથે તેમનો શું સંબંધ? આવી ઘટનાઓ ઘણા ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

(6:19 pm IST)