Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મોદીજીને જગન્નાથ પૂરીથી લડાવવા વિચારણા

ઓરિસ્સામાં નરેન્દ્રભાઇનો શંખનાદ : જનસભા કરવા પાછળ મોટો ઉદ્દેશ : એક કાંકરે બે પક્ષી મારવાની રણનીતિ

કટક તા. ૨૬ : નરેન્દ્રભાઇ મોદી સરકારના આજે કેન્દ્રમાં ૪ વર્ષ પૂરા થયા છે. આ તકે મોદી ઓડીશાના કટકમાં રેલી સંબોધન કરનાર છે. આ સભા સાંજે ૪ વાગ્યે બાલીયાત્રા મેદાનમાં યોજાનાર છે. જેમાં તેઓ સરકારના કામકાજના લેખા-જોખા પણ રજુ કરનાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોદી ૨૦૧૯માં ઓડીશાની સાથે સાથે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરને પણ મેળવવા માગે છે. એટલે તેઓ વારાણસી અને પુરીથી લોકસભા ચૂંટણી લડે તેવું ચર્ચાઇ રહ્યું છે.

આ કારણથી જ તેમણે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થતા રેલી માટે કટકને પસંદ કર્યું છે. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી સાથે ધારાસભાની પણ ચુંટણીઓ પણ છે. ગત વર્ષે ત્રણ વર્ષ પુરા થતાં મોદીએ આસામમાં જનસભા સંબોધી હતી.

ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય એક રણનીતિ હેઠળ લીધો છે. હકીકતે ભાજપ ૨૦૧૯માં ઓડીશાની વધુમાં વધુ લોકસભા બેઠકો ઉપર જીતની આશા કરી રહ્યું છે. જો કે મીડીયા રિપોર્ટસમાં જણાવાયા મુજબ નરેન્દ્રભાઇ ૨૦૧૯માં પણ બે બેઠકો ઉપરથી ચુંટણી લડી શકે છે. વારાણસી સિવાય બીજી બેઠક પુરી હોવાનું પણ જણાવાઇ રહ્યું છે. ૨૦૧૪માં તેઓ વારાણસી અને વડોદરાથી ચુંટણી લડયા હતા.

ઓડીશામાં લોકસભા - ધારાસભાની ચૂંટણીઓ સાથે સાથે હોય છે. એટલે ભાજપનું માનવું છે કે, નરેન્દ્રભાઇ જો પુરીથી ચુંટણી લડે તો પાર્ટીને લોકસભા - ધારાસભા બંનેમાં ફાયદો મળશે. ઓડીશામાં ધારાસભાની ૧૪૭ બેઠકો છે. જ્યારે લોકસભાની ૨૧ બેઠકો છે. જેમાંથી ૨૦ બેઠકોમાં બીજુ જનતા દળ (બીજેડી) પાસે છે. જ્યારે એક બેઠક ભાજપને મળી હતી. ૨૦૧૪ના ધારાસભા ચુંટણીમાં બીજેડીને ૧૧૭, કોંગ્રેસ ૧૬ અને ભાજપને ૧૦ બેઠકો મળી હતી. (૨૧.૧૭)

(4:04 pm IST)