Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હવે બાબા રામદેવ લોન્ચ કરશે ત્રણ ટીવી ચેનલ:મળી ગઈ મંજૂરી

VBLને તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં 3 આધ્યાત્મિક ચેનલ લૉંચ કરવાની મંજૂરી

નવી દિલ્હી:હવે બાબા રામદેવને ટીવી ચેનલ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે થોડા મહિના પહેલા એપ્લિકેશનમાં ખામી હોવાના કારણે પતંજલિ ગ્રુપની કંપની ‘વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડ’ (VBL)ને ટીવી ચેનલ શરૂ કરવાની મંજૂરી નહોતી મળી.પરંતુ  હવે VBLને તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં 3 આધ્યાત્મિક ચેનલ લૉંચ કરવાની મંજૂરી મળી છે. આવતા મહિનાથી આ 3 ચેનલ શરૂ થશે.

  VBLનું સંચાલન યોગગુરુ અને પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવના નજીકના ગણાતા આચાર્ય બાલક્રિશ્ન કરે છે.આ બ્રોડકાસ્ટ નેટવર્કને નવા ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા 3 ચેનલ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

  પતંજલિ ગ્રુપની પતંજલિ પ્રોડક્ટના પ્રવક્તા એસ.કે. તિજારવાલાએ કહ્યું કે, “દક્ષિણ ભારતમાં વૈદિક જ્ઞાન ફેલાવવાનો આ ચેનલનો હેતુ છે.”

માહિતી અને પ્રસાર મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, પતંજલિ ગ્રુપ દ્વારા ચેનલ શરૂ કરવાની મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કરાયેલી અરજીમાં કેટલીક મહત્વની માહિતી ખૂટતી હતી. ચેનલેને મંજૂરી આપનારા અધિકારીઓએ પ્રક્રિયાની યોગ્યતા અને કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

  પતંજલિ પ્રોડક્ટ્સના પ્રવક્તા અને VBLની અન્ય એક ચેનલ ‘આસ્થા’ના સલાહકાર અને નેશનલ હેડ એસ.કે. તિજારવાલાએ કહ્યું કે, “ચેનલ બહુ પહેલા શરૂ થઈ ગઈ હોત પણ હું આભારી છું કે આખરે ચેનલ શરૂ કરવા માટે મંજૂરી મળી. અમે બધી જ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી દીધી છે. હવે ફક્ત સેટેલાઈટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે તે પણ થોડા દિવસમાં મળી જશે.”

  તિજારવાલાના મતે, “VBL નેટવર્કની મલયાલમ ચેનલ જુલાઈમાં લૉંચ થશે. કંપની દ્વારા 400 કલાકનું કંટેન્ટ તૈયાર કરાયું છે જેમાં યોગ, આયુર્વેદને માહિતી વગેરે જેવા કાર્યક્રમોને દક્ષિણ ભારતીય ભાષાઓમાં ડબ કરાયા છે.” જો કે આ પ્રથમવાર નથી કે પતંજલિ ગ્રુપના પ્લાન મુશ્કેલીમાં મૂકાયા હોય. આ પહેલા પણ સરકારે બાબા રામદેવને ખાદીની દુકાનો અને પોતાનું શિક્ષણ બોર્ડ શરૂ કરવાની મંજૂરી આપવાથી ઈનકાર કર્યો હતો.

  UPA સરકારના સમયગાળામાં ગ્રુપની ‘આસ્થા’ ચેનલને કારણદર્શક નોટિસ મળી હતી. ચેનલ દ્વારા કાળા નાણા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જો કે આસ્થા ચેનલ પાસે રાજકીય સમાચારો બતાવવાની પરવાનગી ન હોવાથી સરકારે કારણદર્શક નોટિસ ફટકારી હતી.

(2:01 pm IST)