Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

નિપાહ વાયરસ કર્ણાટક - તેલંગણા પહોંચ્યો : ૪ નવા કેસ

ઓસ્ટ્રેલીયામાં નિપાહ વાયરસને નાથવા તૈયાર થયેલ 'એન્ટિબોડીઝ' ઓસ્ટ્રેલિયાથી મગાવાયા : ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશેઃ કેરળના કોઝિકોડ જિલ્લાની મેડિકલ કોલેજમાં ૧૩૬ દર્દી સારવારમાં : ૧૬૦ બ્લડ સેમ્પલમાંથી ૨૨ના રિપોર્ટ આવ્યા : ૧૪ને 'નિપાહ' વાયરસ : પરીક્ષાઓ રદ્દ

બેંગ્લુરૂ તા. ૨૬ : નિપાહ વાઇરસનો પ્રકોપ હવે કેરળના પાડોશી કર્ણાટક અને તેલંગણા સુધી પહોંચ્યો છે. કર્ણાટકમાં મેંગ્લુરૂમાં નિપાહ વાઇરસથી પીડિત બે શંકાસ્પદ કેસ ગુરુવારે સામે આવ્યા હતા અને તેમના પર નજર રખાઈ રહી છે. તે બંને કેરળના વતની છે. તેમાંથી એકે તાજેતરમાં નિપાહપીડિત દર્દીની મુલાકાત કરી હતી. કેરળમાં નિપાહ વાઇરસથી ગુરુવારે વધુ એક વ્યકિતનું મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક ૧૨ થઈ ગયો છે. કોઝિકોડ જિલ્લો વાઇરસથી સૌથી વધુ પ્રભાવિત છે. બિનસત્તાવાર ૧૭થી વધુ આંક છે.

કોઝિકોડ મેડિકલ કોલેજમાં ૧૩૬ દર્દીની સારવાર ચાલી રહી છે. ૧૬૦ દર્દીના નમૂના તપાસ માટે મોકલાયા છે. ૨૨ કેસનો રિપોર્ટ આવ્યો છે. ૨૨ પૈકી ૧૪ નિપાહ વાઇરસથી પીડાઈ રહ્યાં છે. એક ર્નિંસગ વિદ્યાર્થી પણ પોઝિટિવ છે. વાઇરસ સંક્રમણને ફેલાતાં અટકાવવા માટે કોઝિકોડ યુનિવર્સિટીમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

હૈદરાબાદની જાહેર હોસ્પિટલમાં પણ નિપાહ સંક્રમણથી પીડાઈ રહેલા બે દર્દીને અલગ કક્ષમાં ખસેડવામાં આવ્યા છે. નિપાહ વાઇરસનાં લક્ષણ જોવા મળતા તેમને અન્ય દર્દીઓથી અલગ કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વડા ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે નિપાહ વાઇરસનો સામનો કરવા ભારતે ઓસ્ટ્રેલિયા સરકાર પાસેથી મદદ માગી છે. ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોકલોનલ એન્ટિબોડીઝ માગવામાં આવ્યાં છે, જોકે માનવી પર હજી સુધી આ એન્ટિબોડીનું પરીક્ષણ નથી થયું. ભારતમાં પહેલી વાર તેનો ઉપયોગ થશે.(૨૧.૯)

(11:52 am IST)