Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ભાજપે ચાર વર્ષની સિધ્ધિઓ શણગારી : કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસઘાત દિન મનાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઓરિસ્સામાં ઉપલબ્ધિ વર્ણવે છે....: દેશભરમાં મોદી - મોદી કોઇકે ફૂલડા વરસાવ્યા, કોઇકે કાદવ ઉછાળ્યા... ભાજપ પાંચ દિવસમાં ૪૦ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે : કોંગ્રેસ આજે દેશભરમાં વિશ્વાસઘાત દિન મનાવી રહી છે : ગુજરાતમાં પણ ગામે-ગામ કાર્યક્રમો અમિતભાઇ શાહની દિલ્હીમાં પત્રકાર પરિષદ

નવી દિલ્હી તા. ૨૬ : મોદી સરકાર રચાયાને આજે ચાર વર્ષ થયા છે. ભાજપ દેશભરમાં મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ વિશ્વાસઘાત દિવસ મનાવી રહી છે.

મોદી સરકારે પણ ચાર વર્ષની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ખાસ આયોજન કર્યું છે. આજથી ૩૦ મે સુધીમાં ૧૦ કદાવર પ્રધાનો ૪૦ મહાનગરોમાં પત્રકાર પરિષદ સંબોધીને ઉપલબ્ધિઓ ગણાવશે. આ શહેરોમાં તમામ રાજ્યોની રાજધાનીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોંગ્રેસ આજે વિશ્વાસઘાત દિન મનાવી રહી છે. કોંગ્રેસ દરેક રાજ્યોના જિલ્લા મથકોએ ધરણા - પ્રદર્શનો કરે છે અને પત્રકાર પરિષદોના પણ આયોજનો કરાયા છે.

દરમિયાન ભાજપે પણ વિવિધ કાર્યક્રમોના આયોજનો કર્યા છે. વરિષ્ઠ પ્રધાનો રાજનાથસિંહ, નિતીન ગડકરી, પિયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર, નિર્મલા સીતારમન, રવિશંકર પ્રસાદ, સુષ્મા સ્વરાજ વગેરે પત્રકાર પરિષદો સંબોધી રહ્યા છે.

ચાર વર્ષ પૂર્ણ થતા આજથી જ લોકસભાની ચૂંટણીના નગારે ઘા થયા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ ગામેગામ વિરોધ દિન મનાવી રહી છે.

મોદીજી ઓરિસ્સામાં

કેન્દ્રમાં મોદી સરકારના ચાર વર્ષ પુરા થયા છે. આ અવસર પર ભાજપ અને મોદી કેબિનેટના પ્રધાનો સરકારની સિદ્ઘિઓને જનતાની વચ્ચે રાખશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડીશાની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કટકમાં જનતા સમક્ષ સરકારનું રીપોર્ટ કાર્ડ રજૂ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તહત શહરેના બાલીયાત્રા મેદાનમાં તૈયારીઓ પુરી કરી લેવામાં આવે છે. આ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરશે.

જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતે ભાજપાના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં તેઓ મોદી સરકારની ઉપલબ્ધિઓને રાખશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત કેન્દ્રના અલગ-અલગ પ્રધાનો પોતાના વિભાગ તેમજ મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાફ નીયત-સહી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ ભાજપ મોદી સરકારના ચાર વર્ષનો રિપોર્ટ કાર્ડ લોકો સુધી પહોંચાડશે. આ અભિયાનને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી હેઠળ જોવામાં આવી રહ્યું છે.

ભાજપ નેતાઓનો દાવો છે કે પીએમ મોદીની ઓડીશા જનસભામાં ત્રણ લાખ જેટલા લોકો આવશે. મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર કટકની જનસભાનું પણ એક અલગ મહત્વ છે.

ભાજપ ૨૦૧૯માં ઓડિશામાંથી સૌથી વધારે લોકસભા બેઠકો જીતવાની આશા રાખે છે. ઓડિશામાં લોકસભાની ૨૧ બેઠકો છે. જેમાંથી ૨૦ બેઠક બીજુ જનતા દળ (બીજેડી) પાસે છે.(૨૧.૮)

(11:47 am IST)