Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ફેસબુક ફરી વિવાદોમાં: યુઝરના મેસેજ- કોલ ડેટા ભેગા કરી જાસુસી કરવાનો આરોપ

અમુક યુઝરે ફેસબુક ડેટાની તપાસ કરતા તેમાંથી અમુક ડેટા તો વર્ષો જુનો નિકળ્યોઃ ARS ટેકનીકાના રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી, તા.૨૬: ફેસબુક માટે ૨૦૧૮નું વર્ષ વિવાદોનું વર્ષ બનતુ જાય છે. કેબ્રીજ એનાલીટીકા મામલામાં ચારે તરફથી ઘેરાયેલ ફેસબુક સાથે જોડાયેલ વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે.  ફેસબુક એન્ડ્રોઈડ યુઝર્સની જાસુસી કરાવી રહ્યુ છે. ફેસબુક પોતાના યુઝર્સના ફોન કોલ અને મેસેજનો ડેટા ભેગો કરી ઉપયોગકર્તાની ફોન ઉપર કરવામાં આવતી ગતિવિધીઓ ઉપર નજર રાખી રહ્યું છે.

કેટલાક યુઝર્સે જે ડેટા ફેસબુક એકઠો કરે છે તેની તપાસ કરતા ખબર પડી કે ફેસબુક ફોનમાં રહેલ કોન્ટેકના નામ, નંબર, કોલ ડિટેઈલ, કયાં નંબર ઉપર કેટલી વાર વાત કરાઈ અને મેસેજ સહીતના બધા ડેટા કલેકટ કરી રહ્યું છે. કેટલાક એવા ડેટા પણ મળ્યા જે વર્ષો જુના હતા. કેબ્રીજ એનાલીટીકા વિવાદમાં ફસાયા બાદ ફેસબુકની સામે નવો પ્રશ્ન ઉભો થઈ ગયેલ છે કે યુઝરના આ ડેટાને આટલી બધી માહિતી સાથે શું કામ ભેગું કરી રહ્યું છે.

એઆરએસ ટેકનીકાના રિપોર્ટ મુજબ ફેસબુક એન્ડ્રોયડ યુઝર્સના તેમના કોલ હિસ્ટ્રી અને મેસેજને એકસેસ કરવાની પરવાનગી લઈને આ ડેટા સ્ટોર કરે છે. ફેસબુકનો તર્ક છે કે યુઝરના ફોન ડેટાને કલેકટ કરીને યુઝર માટે ફ્રેન્ડ રિકમંડેશન અલ્ગો રિદમને બહેતર બનાવે છે સાથે બીઝનેશ કોન્ટેકટથી પર્સનલ કોન્ટેકટને અલગ કરવામાં પણ મદદ કરે છે.

આ ડેટા એકસેસને લઈને જયારે વિવાદ વધ્યો તો તેના બચાવમાં ફેસબુકે જણાવેલ કે આ માહિતી સિકયોર સર્વર ઉપર અપલોડ કરવામાં આવે છે. આ માહિતી ફકત એન્ડ્રોયડ યુઝર્સની જ છે, આ એ યુઝર્સના ડેટા છે જે ફેસબુકને આ ડેટા માટે સહમતિ આપે છે. ફેસબુકે વધુમાં જણાવેલ કે આ ડેટા ન તો વેચવામાં આવે છે કે ન તો યુઝર્સ, ફ્રેન્ડ અથવા બીજી એપ સાથે શેર કરવામાં આવે છે. આ ડેટા યુઝર્સના અનુભવો ફેસબુક ઉપર વધુ સારા કરવા માટે લેવામાં આવી રહ્યો છે, જેથી યુઝર્સને લોકો સાથે જોડવામાં મદદ કરી શકાય.

ફેસબુકના પ્રવકતાએ એપી સાથે વાત કરતા જણાવેલ કે, ફેસબુક ટેકસ્ટ મેસેજની કન્ટેન્ટ કે કોલનો ડેટા નથી ભેગી કરતી પણ કન્ટેકટ સાથે જોડાયેલ માહીતી લ્યે છે. ફેસબુકના નિવેદન મુજબ યુઝર્સ પાસે વિકલ્પ હોય છે કે તેઓ ફોન ડિટેલ એકસેસ દેવા માંગે છે કે નહી. જયારે કોઈ યુઝર મેસેન્જર કે ફેસબુક લાઈટ ઉપર સાઈન ઈન કરી છે તો આ પરમીશન ફેસબુક દ્વારા માગવામાં આવે છે. ડેટા કલેકશનના વિકલ્પને યુઝર પોતાની સુવીધા મુજબ ચાલુ કે બંધ કરી શકે છે. જો યુઝર સેટીંગમાં જઈને તેને ઓફ કરે છે તો પહેલા લેવાયેલ કોલ ડેટા અને ટેકસ્ટ હિસ્ટ્રી જે એપ સાથે શેર કરાઈ હતી તે આપમેળે ડીલીટ થઈ જશે.

(11:34 am IST)