Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

દેશના 71,9 ટકા લોકો ફરી વડાપ્રધાનપદે મોદીને વોટ આપવા ઇચ્છુક છે :ટાઈમ્સ ગ્રુપનો મહાપોલ

મોદી અને રાહુલ સિવાયના ત્રીજા વ્યક્તિને 16 ટકા લોકો જયારે રાહુલને 11,93 ટકા લોકો પીએમ તરીકે મત આપશે

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા છે પીએમ મોદી પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂરા કર્યા છે ત્યારે તેમની સરકારની કામગીરીને મોટાભાગના ભારતીયોએ વખાણી છે ટાઈમ્સ ગ્રુપ દ્વારા દેશભરમાં કરવામાં આવેલા ઓનલાઈન પોલમાં ભાગ લેનારા 8,44,646 લોકોમાંથી લગભગ 71.9 ટકા લોકોએ જણાવ્યું હતું કે,જો આજે લોકસભા ચૂંટણી થાય અને મોદી પીએમ કેન્ડિડેટ હોય તો તેઓ મોદીને વોટ કરશે.

   સામાન્ય ચૂંટણીને હવે એક જ વર્ષનો સમય રહી ગયો છે, ત્યારે 73.3 ટકા લોકોએ કહ્યું હતું કે, 2019માં પણ મોદી સરકાર જ ફરી સત્તા પર આવે તેવી પૂરી શક્યતા છે.જો આજે લોકસભા ચૂંટણી થાય તો પીએમ મોદી લોકોની પહેલી પસંદ હશે, 16.1 ટકા લોકોના જણાવ્યા અનુસાર, તેઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સિવાય કોઈ ત્રીજા વ્યક્તિને મત આપશે. રસપ્રદ વાત એ છે કે, રાહુલ ગાંધીને મત આપવા માત્ર 11.93 ટકા લોકો જ ઈચ્છે છે. મતલબ કે, પીએમ તરીકે રાહુલ ગાંધી ત્રીજી પસંદ છે.

   ટાઈમ્સ ગ્રુપ દ્વારા આ પોલ 23 મેથી લઈને 25 મે સુધી તેની નવ વેબસાઈટ્સ પર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા પોલમાં લોકોએ ઓનલાઈન વોટિંગ થયું હતું, અને તેમાં દેશભરના લોકોએ ભાગ લીધો હતો.

   મોદી સરકારના ચાર વર્ષની કામગીરીને રેટ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે બે તૃતિયાંશ લોકોએ સરકારની કામગીરીને ‘ગુડ’ અથવા ‘વેરી ગુડ’ની કેટેગરીમાં મૂકી હતી. જેમાંથી 47.4 ટકા લોકોએ સરકારની કામગીરીને ઘણી સારી, જ્યારે 20.6 ટકા લોકોએ માત્ર સારી કહી હતી. 11.38 ટકા લોકોએ તેને સામાન્ય, જ્યારે 20.55 ટકા લોકોએ તેને નબળી ગણાવી હતી.

  આ સરવેમાં રિસ્પોન્ડન્ટ્સને મોદી સરકારની સૌથી મોટી સફળતા અને સૌથી મોટી નિષ્ફળતાઓનું રેટિંગ કરવા કહેવામાં આવ્યું હતું. જેમાં 33.42 ટકા લોકોએ જીએસટીના મુદ્દાને સૌ પહેલું, અને 21.9 ટકા લોકોએ નોટબંધીને બીજું પ્રાધાન્ય આપ્યું હતું. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને (19.89 ટકા) અને જન ધન યોજનાને (9.7 ટકા) સાથે ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા હતા.

  બેરોજગારીના મુદ્દે 28.3 ટકા લોકોનું માનવું હતું કે, મોદી સરકાર માટે આ એક મોટી સમસ્યા છે. જોકે, સરકારે તેના માટે પૂરતા પ્રયાસ કર્યા છે કે કેમ તે સવાલના જવાબમાં 58.4 ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ સરકારના પ્રયાસોથી સંતુષ્ટ છે. તેમાંથી 37.2 ટકા લોકોએ તેના પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે 21.2 ટકા લોકોએ તેને ઘણા સારા ગણાવ્યા હતા. 30 ટકા લોકોએ સરકારના પ્રયાસોને અપૂરતા ગણાવ્યા હતા. સરકારની કાશ્મીર નીતિને પણ 14.28 ટકા લોકોએ નિષ્ફળ ગણાવી હતી.

  મોદી સરકારના સૌથી મોટા નિર્ણયોમાંથી એક નોટબંધી અંગે પણ લોકોમાં મતમતાંતર જોવા મળ્યા છે. 20 ટકા લોકોએ નોટબંધીને સફળ નીતિ ગણાવી હતી. જ્યારે, 22.2 ટકા લોકોએ કહ્યું હતું કે, નોટબંધી મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે.

  દેશમાં લઘુમતીની સ્થિતિ અંગે પૂછાયેલા સવાલમાં 59.41 ટકા લોકોએ જણઆવ્યું હતું કે, એનડીએ સરકારના રાજમાં લઘુમતીઓ અસુરક્ષા મહેસૂસ કરતા હોય તેવો કોઈ માહોલ નથી. જોકે, 30.01 ટકા લોકોએ જણાવ્યું હતું કે, લઘુમતીના લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે, જ્યારે 10.58 ટકા લોકોએ કહ્યું હતું કે, આ અંગે તેઓ કશુંય કહેવા નથી માગતા.

પીએમ મોદી પોતાના વિદેશ પ્રવાસોને લઈને અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. વિપક્ષો પણ તેમના પર આ મુદ્દે નિશાન તાકતા રહે છે. જોકે, પીએમ મોદીની વિદેશ નીતિની 80 ટકા લોકો સરાહના કરી હતી. 62.63 ટકા લોકોએ તેને ઘણી સારી કહી હતી, જ્યારે 17.43 ટકા લોકોએ તેને સારી કહી હતી.

કર્ણાટકની ચૂંટણી પછી કેટલાક રાજકીય પક્ષો એક થયા છે તેની 2019ની સામાન્ય ચૂંટણીમાં શું અસર પડશે તે સવાલનો જવાબ આપતા 57.1 ટકા વોટર્સે કહ્યું હતું કે ભાજપ સામે કોઈ રાજકીય મોરચો અસરકારક નહીં નીવડે. જોકે, 28.96 ટકા લોકોએ જણાવ્યું હતું કે, આવો મોરચો મોટી ચેલેન્જ બની રહેશે, જ્યારે 13.92 ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ અંગે હાલ કંઈ કહી ન શકે.

2019ની સામાન્ય ચૂંટણી પછી દેશમાં કેવી રાજકીય સ્થિતિ સર્જાશે તે સવાલના જવાબમાં 73.36 ટકા રિસ્પોન્ડન્ટ્સે કહ્યું હતું કે, મોદી સરકાર ફરી સત્તા પર આવશે, જ્યારે 16.04 ટકા લોકોએ કહ્યું હતું કે, ત્રીજો મોરચો સત્તા ગ્રહણ કરશે, અને માત્ર 10.59 ટકા લોકોએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાનીમાં સરકાર બનશે.

55 ટકા જેટલા વોટર્સે માન્યું હતું કે, ભાજપની આગેવાનીમાં સત્તા પર આવેલી એનડીએ સરકારના રાજમાં તેમની ક્વોલિટી ઓફ લાઈફ સુધરી છે. જોકે, 33.92 ટકા વોટર્સ એનડીએ સરકારની કામગીરીથી સંતુષ્ટ નહોતા, અને તેમણે તેના માટે નકારાત્મક વોટ આપ્યો હતો.

(11:27 am IST)