Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે રદ્દ કરાયેલી મીટિંગ હજી પણ શક્ય:બંને દેશો બેઠક માટે તૈયાર

ટ્રમ્પનું તંત્ર ઉત્તર કોરિયાના નેતાઓસ સાથે સંપર્કમાં :ઉત્તર કોરિયા બાદ અમેરિકન વલણ પણ કુણું પડ્યું

 

વોશિંગટન :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક ઉન જોંગ કિમ વચ્ચે 12મીએ સિંગાપુરમાં થનાર મિટિંગ કેન્સલ થયા બાદ બન્ને દેશો કુણા પડ્યા છે ઉત્તર કોરિયા દ્વારા મીટિંગ રદ્દ થયાની અમેરિકાની જાહેરાત બાદ ખેદ વ્યક્ત કરતા ગમે ત્યારે મીટિંગ માટે તૈયાર હોવાની તૈયારી દર્શાવાઇ હતી

  દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમનું તંત્ર ઉત્તર કોરિયાનાં નેતાઓનાં સંપર્કમાં છે. ટ્રમ્પે તે વાતનાં પણ સંકેત આપ્યા કે ટ્રમ્પની કિમ જોંગ ઉન સાથે 12 જુને યોજાનારી મીટિંગ ટળી ચુકી હતી, પરંતુ મીટિંગ આગામી સમયમાં યોજાઇ પણ શકે છે. પત્રકારો સાથેની ચર્ચામાં ટ્રમ્પે કહ્યું કે, અમે જોઇશું કે શું થાય છે. અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કિમ અને ટ્રમ્પ વચ્ચેની બેઠક રદ્દ થઇ હોવા અંગેનો પત્ર વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયો હતો

   ટ્રમ્પે કહ્યું કે, તે (કિમ જોંગ ઉન) પણ ઇચ્છે છે કે મીટિંગનું આયોજન થાય અને અમે પણ ઇચ્છીએ છીએ. 12મીનાં શિખર સમ્મેલનની મીટિંગ રદ્દ થવા છતા પણ ટ્રમ્પ બેઠક મુદ્દે આશાવાદી જોવા મળ્યા હતા. અન્ય એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, હજી પણ 12મી જૂને મીટિંગ શક્ય છે અમે જોઇ રહ્યા છીએ શું થઇ શકે તેમ છે

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 12 જુને યોજાનાર બેઠક રદ્દ કરવામાં આવે છે. ટ્રમ્પે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, હું મળવા અંગે ખુબ આશાવંત હતો પરંતુ તમારા હાલમાં આવેલા નિવેદનોમાં ખુબ રોષ અને શત્રુતા સ્પષ્ટ પણ જોઇ શકાય છે. માટે આવા પ્રસંગે મીટિંગ યોજાય તે યોગ્ય નથી. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે નોર્થ કોરિયાનાં હાલની વર્તણુંકને જોતા મીટિંગ રદ્દ કરવા સિવાય અન્ય કોઇ રસ્તો બાકી રહેતો નથી

   મીટિંગ રદ્દ થયા બાદ નોર્થ કોરિયા દ્વારા એક નિવેદન બહાર પાડીને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેણે કોઇ પણ સમયે ક્યાંય પણ મીટિંગ માટે તત્પરતા દર્શાવી હતી. નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, એક ઘણા સારા સમાચાર છે. તેમનાં તરફથી ઘણો સકારાત્મક જવાબ આવ્યો છે.અમે જોઇશું કે શું થઇ શકે તેમ છે

(12:00 am IST)