Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જો એ સમયે શીખ પોલીસ કર્મચારી ન આવ્‍યા હોત તો મુસ્લિમ યુવક ટોળાનો શિકાર બની જાતઃ નૈનીતાલમાં પોલીસની કામગીરીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ નૈનીતાલના એક મંદિરમાં યુવક યુવતી બેઠા હતા. એમને સાથે બેઠેલા જોઇ ઉપસ્થિત કેટલાક લોકોએ એમની પુછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે યુવક મુસ્લિમ અને યુવતી હિન્દુ છે. બંને મળવા માટે મંદિર આવ્યા હતા. લોકોને જેવી ખબર પડી કે યુવક મુસ્લિમ છે તો એમણે એને ઘેરવાનું શરૂ કર્યું હતું. ટોળાએ યુવક સાથે ધક્કા મુક્કી શરૂ કરી હતી આ દરમિયાન યુવતીએ બચાવો બચાવોની બૂમાબૂમ કરતાં ટોળાએ તેણીને બાજુએ કરી દીધી.

ટોળાએ યુવતીને બાજુકરી યુવકને મારવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ સમયે જાણકારી મળતાં સબ ઇન્સ્પેક્ટર ગગનદીપ સિંહ અને અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે ટોળાને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો જોકે ટોળું ગુસ્સામાં હોવાથી એમણે પહેલા તો યુવકને શોધ્યો.

પોલીસ આવવા છતાં ટોળું રોકાયું ન હતું અને યુવકને મારતું રહ્યું. યુવકને બચાવવા ગગનદીપે યુવકને પોતાની તરફ ખેંચી લીધો હતો. તેઓ એને લોકોના મારથી બચાવતા રહ્યા. યુવકનું માથું પોતાના હાથ ઢાંકી દીધું તો ટોળામાંના એક શખ્સે ગગનદીપને પણ મારમાર્યો, પરંતુ તેઓ અડગ રહ્યા અને યુવકને બચાવતા રહ્યા. છેવટે ભારે મહેનતે પોલીસ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. 

કહેવાય છે કે યુવક અને યુવતી બંને સગીર છે. પોલીસે બાદમાં યુવતીના માતા પિતાને આ સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. સાથોસાથ પોલીસે યુવકને પણ સમજાવ્યો હતો બાદમાં જવા દીધો હતો. ગગનદીપ સિંહની બહાદુરીના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. જાતની પરવા કર્યા વિના ટોળાથી ઘેરાયેલા હોવા છતાં એમણે યુવકને બચાવ્યો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ એવી પણ કોમેન્ટનો મારો ચલાવ્યો કે આવા પોલીસ કર્મીઓનું સન્માન થવું જ જોઇએ કે જેથી તેઓ બીજાઓ માટે પ્રેરણારૂપ બની શકે. 

(12:00 am IST)