Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મહારાષ્ટ્રમા લોકડાઉનની અસર દેખાઈ : કોરોનાના નવા કેસમાં ઘટાડો : 24 કલાકમાં 48,700 કેસ નોંધાયા : વધુ 524 લોકોના મોત

મુંબઈમાં નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : નવા 3876 કેસ સામે 9150 લોકો સાજા થયા

મુંબઈ : કોરોનાની બીજી લહેરને કારણે છેલ્લાં બે અઠવાડિયાથી વિવિધ રાજ્યોમાંથી ચિંતાજનક રિપોર્ટ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન મહારાષ્ટ્રએ સોમવારે ડબલ ખુશખબર આપ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પાટનગર મુંબઇમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,700 નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા વધીને 43,43,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા હવે 6,74,770 છે, જ્યારે અત્યાર સુધીમાં 36,01,796 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 524 લોકોના મોત બાદ, કુલ આંકડો વધીને 65,284 થઈ ગયો છે. એક દિવસ અગાઉ, 66,191 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 832 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુંબઈમાં છેલ્લા એક દિવસમાં 3876 નવા કેસ નોંધાયા બાદ શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 6,31,527 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં, 70 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 9150 લોકો આ રોગથી મુક્ત થયા છે.

ઉદ્ધવ સરકાર કોરોના વાયરસના કેસોને રોકવા માટે લાંબા સમયથી વ્યસ્ત હતી. આ હેઠળ સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ, મિની લોકડાઉન અને પછી બ્રેક ધ ચેન જેવા નિયંત્રણો લાગુ કર્યા. કોરોનાનાં કેસોમાં ઘટાડો થવા પાછળનું એક કારણ ઉદ્ધવ સરકારના પ્રતિબંધોને લાગુ કરવાની આ વ્યૂહરચના પણ હોઈ શકે છે. રાજ્યમાં ગત ગુરૂવારથી જારી કરવામાં આવેલી 'બ્રેક ધ ચેન' અંતર્ગત જાહેર અને ખાનગી પરિવહનની મુસાફરીને મંજૂરી આપવામાં આવી નથી. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ, તબીબી અને રસીકરણ આમાંથી બાકાત છે. જ્યારે, ફક્ત 25 લોકોને લગ્ન સમારોહમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ઉદ્ધવ સરકારે ખાનગી અને સરકારી કચેરીઓમાં 15 ટકા કર્મચારીઓને કામ કરવાની મંજૂરી આપી છે.

(11:59 pm IST)